નાઈજીરિયાની ચર્ચમાં અંધાધૂંધ ફાયરિગંમાં ૫૦ લોકોના મોત

નાઈજીરિયામાં એક હચમચાવી નાખે તેવી ઘટના ઘટી. નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક ચર્ચમાં અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા ૫૦ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. નાઈજીરિયાની સરકારે આ ઘટનામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તે અંગે કોઈ અધિકૃત માહિતી આપી નથી. પરંતુ કહેવાય છે કે ૫૦ લોકોના જીવ ગયા છે. ફાયરિંગ પાછળનો હેતુ સામે આવ્યો નથી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ફાયરિંગ કોઈ સ્થાનિક બદમાશે કર્યું કે પછી કોઈ આતંકી ઘટના છે. સુરક્ષાકર્મીઓ ઘટના વિશે હાલ તો કોઈ ફોડ પાડી રહ્યા નથી. નાઈજીરિયાના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ઓવો શહેર સ્થિત સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં કેટલાક હથિયારધારી બદમાશો ઘૂસી ગયા અને આડેધડ ફાયરિંગ કરવા લાગ્યા. એવું પણ કહેવાયું છે કે હુમલાખોરોએ આ દરમિયાન ચર્ચમાં વિસ્ફોટને પણ અંજામ આપ્યો. જે સમયે આ ઘટના ઘટી ત્યારે ચર્ચમાં ભારે ભીડ હતી જેના કારણે જાનહાનિ વધી હોવાનું પણ કહેવાય છે. ચર્ચમાં ઈસાઈ લોકો પેન્ટેકોસ્ટ સંડેનો તહેવાર ઉજવવા ભેગા થયા હતા. એવામાં ફાયરિંગનો અવાજ આવતા ભાગમભાગી મચી હતી. જીવ ગુમાવનારામાં અનેક બાળકો પણ સામેલ છે. કેટલાક લોકો ઘાયલ પણ થયા છે જે હાલ સારવાર હેઠળ છે.
Recent Comments