નાબાર્ડના સહયોગથી સિહોર તાલુકાના અમરગઢ ખાતે ખેડૂતો માટેની શિબિર યોજાઈ
ખેડૂતો પોતે જ પાછો આવે અને પોતે વાવેલાં પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર પોતાની ઉત્પાદક પેટી બનાવી પોતાનું ક્ષમતાવર્ધન કરશે.
નાબાર્ડના સહયોગથી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અમરગઢ ખાતે યોજાયેલ ખેડૂત શિબિરમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેમાં અમરગઢ, આંબલા, ઈશ્વરિયા,સોનગઢ અને તેની આસપાસના ૧૦ ગામોના ખેડૂતો ભેગા મળી પોતાની ઉત્પાદક પેટી બનાવશે અને પોતાના વાવેલાં માલનો યોગ્ય ભાવ મળે તે માટે પ્રયત્ન કરશે. કેન્દ્ર સરકારના ખેડૂતલક્ષી અભિયાન મુજબ દેશભરમાં ખેતીના પોષણક્ષમ ભાવ હેતુ સંસ્થા, પેઢીઓની રચના થઈ રહી છે. આમ, ખેડૂતો જ મૂલ્યવર્ધિત પાક પ્રક્રિયામાં સામેલ થઈ સધ્ધર થઈ શકે તેવા હેતુથી લીંબુ પાક સંબંધિત પ્રક્રિયા ઉત્પાદન અને વેચાણ બાબતે ખેડૂત ઉત્પાદન સંગઠન ( એફ.પી.ઓ.) રચના માટે ભાવનગર જિલ્લાના અમરગઢ ગામે બુધવારે ખેડૂત પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં આયોજન ઘડાયું હતું. અમરગઢ ખાતે આ બેઠકમાં નાબાર્ડના અધિકારીશ્રી દીપકકુમાર ખલાસે આવા કૃષિ ઉત્પાદન સંગઠનના નિર્માણ અને તે માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સહાય અને મદદની રૂપરેખા આપી હતી.
માર્ગદર્શક સંસ્થા વિવેકાનંદ ગ્રામ્ય વિકાસ અને તાલીમના શ્રી મનુભાઈ ચૌધરીએ પ્રાથમિક વિગતો આપી હતી. જ્યારે આ જ સંસ્થાના શ્રી કિશોરસિંહ ગોહિલ તથા શ્રી નરેન્દ્રસિંહ ઝાલાએ સંગઠનના હેતુ રજૂ કર્યા હતાં અને પોતાની જ ઉત્પાદક પેઢી બનાવવા માટેનું તબક્કાવાર આયોજન હાથ કર્યું હતું.
લોકભારતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી વિનિતભાઈ સવાણીએ ખેડૂતોને સંશોધન આધારિત અને સંગઠન સાથેની પ્રક્રિયા વડે ખેતી પર ભાર મુક્યો હતો. આ શિબિરમાં શ્રી બીપીનભાઈ દવે, શ્રી મૂકેશકુમાર પંડિત અને પ્રતિનિધિઓ દ્વારા ચર્ચાઓ થઈ હતી. જેમાં અમરગઢ, આંબલા, પાંચવડા, ઈશ્વરિયા, નાના સુરકા, મોટા સુરકા, બજુડ, ખાખરિયા વગેરે ગામોના ખેડૂતો જોડાયાં હતાં.
Recent Comments