અમરેલી

નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માળીલાના નિર્માણાધીન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત

 રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ડબલ એન્જિન સરકારમાં  ગુજરાત રાજ્યની વિકાસયાત્રા દિનપ્રતિદિન આગળ ધપી રહી છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના માળીલા ગામ ખાતે નિર્માણાધીન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સંપન્ન થયું હતું.

    મનરેગા યોજના હેઠળ રુ.૧૭  લાખના ખર્ચે નિર્માણ થનાર આ પંચાયત ભવન ગ્રામજનોની સુવિધામાં ઉમેરો કરશે.  ગામની વિકાસયાત્રા વધુ ઝડપથી આગળ વધશે તેવો વિશ્વાસ નાયબ મુખ્યદંડકશ્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે ગ્રામજનોને જણાવ્યુ હતુ કે, અમરેલી-વડિયા-કુંકાકાવ વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામોનાં સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. માળીલા ગામ ખાતે અવિરત વીજ પુરવઠા માટેનો પ્રશ્ન પણ આગામી દિવસોમાં હલ થશે અને અમરેલી ફીડરમાં માળીલાનું વીજ કનેક્શન જોડાણ કરવામાં આવશે. પીવાના મીઠા પાણી સહિતનાં ગામના વિવિધ પ્રશ્નોનો સકારાત્મક તેમજ વહેલી તકે હલ લાવવામાં આવશે. નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગામોમાં દર છ મહિને લોકદરબાર યોજી અને આ પ્રકારે વિકાસકાર્યો અને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

       આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી દિલીપ પંડ્યા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રી, પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts