ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયાએ અમરેલીના પશુ દવાખાનાની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સાથે તેમણે સ્થાનિક પશુપાલન સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે પશુ દવાખાનાની વિવિધ તાંત્રિક કામગીરી, ગુજરાત સરકારના પશુપાલન વિભાગની વિવિધ યોજનાકીય કામગીરી, અમરેલી તાલુકામાં આવેલ પશુ દવાખાનાના મકાન સહિતની વિગતો મેળવી કામગીરીની સમીક્ષા કરી હતી.
ઉપરાંત પશુ દવાખાના બનાવવાની જરૂરિયાત હોય તેવા તમામ પશુ દવાખાનાના પ્લાન એસ્ટીમેન્ટ મેળવી આગળની કાર્યવાહી ઝડપથી હાથ ધરવા પણ અને દવાખાનોને અધ્યતન બનાવવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા પણ સૂચના આપી હતી. આ સાથે ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના પશુપાલકો સુધી પહોંચે તેના માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. કુનડીયાએ નાયબ દંડકશ્રીને જરૂરી વિગતોથી અવગત કરાવ્યા હતા.નાયબ મુખ્ય દંડકશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, અગ્રણી શ્રી પ્રવીણભાઈ માંગરોળીયા, ખીજડીયા (રાદડિયા)ના સરપંચ શ્રી જાદવભાઈ ગળીયા, અગ્રણી શ્રી ચેતનભાઇ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments