નારી વંદન ઉત્સવ ૨૦૨૪ – મહિલા સ્વાવલંબન દિવસ
ગુજરાત રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ નિમિત્તે અમરેલી સ્થિત શ્રી ખેડવાળ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓને રોજગારીના અવસરો પ્રાપ્ત થાય તે માટે સ્વરોજગાર મેળો યોજાયો હતો, સાથે ઉદ્યોગ ક્ષેત્રે સાહસિક અને સફળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ માસમાં પ્રથમ અઠવાડિયામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત વિવિધ મહિલા કેન્દ્રિત દિવસની ઉજવણીના ભાગરુપે તાલુકા-જિલ્લાકક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. કાર્યક્રમમાં મહિલાઓને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષયક વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ઉપરાંત ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના અન્વયે લાભાર્થીઓને મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. નોકરીદાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી પ્રસંગે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યુ કે, માનવ સમાજના ઈતિહાસમાં સામાજિક ક્ષેત્રે મહિલાઓનું અમૂલ્ય યોગદાન છે. કોઈપણ સફળ પુરુષની પાછળ મહિલાની ભૂમિકા અગત્યની છે. તેમણે ઉમેર્યું કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે. તેમણે સરકારની ડ્રોન દીદી યોજના વિશે જણાવ્યુ હતુ.કાર્યક્રમમાં જિલ્લાના નોકરીદાતાઓ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments