ભાવનગર

નિપુણ ભારત રાષ્ટ્રીય પહેલ અંતર્ગત વિદ્યાપ્રવેશની 92 શિક્ષકોને તાલીમ આપતા રમેશભાઈ બારડ

બાળકો સમજ સાથે વાંચન અને સંખ્યાજ્ઞાનમાં નિપુણતા કેળવે તે માટેની રાષ્ટ્રીય પહેલ સ્વરૂપે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત અભિયાન શરૂ કરેલ છે. આ રાષ્ટ્રીય પહેલ અન્વયે ધોરણ એક ના શિક્ષકો માટે વિદ્યાપ્રવેશ શાળા તત્પરતાની શિક્ષક સજ્જતા તાલીમ યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અનુસંધાને નિપુણ ભારત રાષ્ટ્રીય પહેલ અંતર્ગત શિક્ષણમાં નવા નવા ફેરફાર અને નવી વ્યવસ્થા ઊભી થવા જઈ રહી છે.

તે ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા વિદ્યા પ્રવેશ તાલીમ મહુવા મુકામે યોજવામાં આવી હતી. કુંભણ કેન્દ્રવર્તી શાળાના રમેશભાઈ બારડ એ માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપી હતી. આધુનિક ભારતના વિકાસમાં શિક્ષણની ગુણવત્તા ખૂબ જરૂરી છે. નાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ સાથે વિદ્યા પ્રવેશ તાલીમ શરૂ થઈ.

તેમાં સ્તર ૧ પૂર્વ પ્રાથમિક-૧, સ્તર ૨ પૂર્વ પ્રાથમિક-૨ , સ્તર ૩ બાલવાટિકા ,સ્તર ૪ ધોરણ એક, સ્તર ૫ ધોરણ બે, સ્તર ૬ ધોરણ ત્રણ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે વિકાસાત્મક ત્રણ ધ્યેયો રાખવામાં આવ્યા છે. આ ધ્યેય એક – બાળકો તંદુરસ્ત અને સ્વસ્થ રહે, ધ્યેય બે બાળકો અસરકારક પ્રત્યાયન કરે, ધ્યેય ત્રણ બાળકો સામેલ શીખનારા બની પોતાના પર્યાવરણ સાથે તાદાત્મ્ય જાળવે.

આવનારા સમયમાં સમાવેશી વર્ગખંડ બનાવવા પર ભાર આપવામાં આવ્યો છે. સક્રિય પ્રત્યયન વાળા વર્ગખંડ ઉપરાંત પ્રમાણભૂત તથા વયકક્ષાની અનુરૂપ રમકડાં અને સાહિત્ય સાથેના વર્ગખંડો હશે. રમકડાં આધારિત શિક્ષણ પદ્ધતિનો વિકાસ કરવામાં આવશે. તેમાં રમત કલા સાથેનું સંકલિત શિક્ષણ આપવામાં આવશે. વર્ગખંડમાં આઈસીટી નો ઉપયોગ વધશે.

આમ બે દિવસની તાલીમમાં શિક્ષક- શિક્ષણના નવા પ્રવાહોની વાત કરવામાં આવી હતી. આ તાલીમમાં વ્યાસ કલ્પેશભાઈ, કુચા ચેતનભાઇ, મારું દીપિકાબેન, બારડ રમેશભાઈ, સોલંકી ચંદુભાઈ, ધાપા હરેશભાઈ, દેસાણી હીનાબેન, ચુડાસમા સુમિતાબેન, અને ભારતી વિપુલભાઈએ તજજ્ઞ તરીકે કામગીરી કરી હતી. તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના હેમાંગભાઈ વાઘેલા અને નવનિયુક્ત બીઆરસી સાહેબ હાર્દિકભાઈ ગોહિલ ની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related Posts