અમરેલી

નિર્મળાબેનનો જન્મ ઇસ ૧૯૨૬માં અમરેલીમાં થયો હતો. તેમને માતા-પિતા દ્વારા ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું

નિર્મળાબેનનો જન્મ ઇસ ૧૯૨૬માં અમરેલીમાં થયો હતો. તેમને માતા-પિતા દ્વારા ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું તેમણે પ્રાથમિક શિક્ષણ માદરે વતન અમરેલીમાંથી લીધું હતું. સમગ્ર પરિવારના લોકો તેમને “નીમુબેન’ કહી સંબોધતા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજભાઈ મહેતાના મોટાભાઈ જગજીવનભાઈના દિકરી એટલે નિર્મળાબેન, નિર્મળાબેને પિતા જગજીવનભાઈ સાથે રહી બાળપણથી આઝાદીની લડતમાં સક્રીય ભૂમિકા ભજવી હતી. તેમણે ઈ.સ.૧૯૪૨માં પ્રચાર પત્રિકા અને સભા-સરઘસમાં ભાગ લેવા બદલ પિતા જગજીવનભાઈ મહેતા સહિત સમગ્ર પરિવારને અંગ્રેજ સરકાર દ્વારા માચિયાળા મકામે નજરકેદ રાખવામાં આવ્યા. નિર્મળાબેનને વિદ્યાર્થીકાળથી ગાંધીજી, સરદાર વલ્લભભાઈપટેલ શ્રી શામળદાસ ગાંધી જેવા મહાન નેતાઓને મળવાનો મોકો મળ્યો હતો. ઈ.સ. ૧૯૪૪ માં નિર્મળાબેનના લગ્ન શ્રી લલ્લભાઈ શેઠ સાથે થયા હતા. બન્ને દંપતિનો માર્ગ એક જ હતો કે દેશને આઝાદી અપાવવી અને આઝાદી બાદ લોકઉપયોગી કાર્યો કરવા.

ઈ.સ. ૧૯૪૪ થી ૧૯૪૬ સુધી નિર્મળાબેન જેલ બહાર રહીને શ્રી લલ્લુભાઈ શેઠ,  અમૂલખભાઈ ખિમાણી, શ્રી કેશુભાઈ ભાવસાર,  દેવીબેન પણી,  હરિભાઈ ત્રિવેદી અને  શામળદાસ ગાંધી જેવા સ્વાતંત્રય સૈનિકોની મદદ કરી આઝાદીની લડતને જીવતી રાખી હતી. નિર્મળાબેન શેઠે જેવા અનેક સ્વાતંત્ર્ય સૈનિકા કારણે ઈસ ૧૯૪૭ માં ભારતને આઝાદી મળી. શ્રી નિર્મળાબેન શેઠ શ્રી લલ્લુભાઈ શેઠના તમામ કાર્યોમાં પડછાયા જેમ રહી મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રી નિર્મળાબેન શેઠનું સામાજિક, રાષ્ટ્રીય અને રચનાત્મક પ્રવૃતિમાં વિશેષ પ્રદાન રહયું છે.

શ્રી લલ્લુભાઈ શેઠ સમગ્ર તાલુકાના વિકાસકાર્યમાં સતત વ્યસ્ત રહેતા હતા ત્યારે એક આદર્શ માતા તરીકે ત્રણેય દિકરા શ્રી ડો.દિપકભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી જનકભાઈ અને ત્રણેય દિકરીઓ ડો. આશાબેન, વંદનાર્બન અને ભકિતબેનને સુંદર રીતે શિક્ષણ અને ચારિત્રનું ઘડતર કર્યું હતું.નિર્મળાબેન શેઠે સમગ્ર જીવનમાં અનેક સેવાના કાર્યો કર્યા હતા. જેમાં મહિલા છાત્રાલય-અમરેલી, મહિલા અધ્યાપન મંદિર-સાવરકુંડલા, મહિલા મંડળ-સાવરકુંડલા, ભગિની છાત્રાલય- સાવરકુંડલા, કટુંબ સલાહ કેન્દ્ર- સાવરકુંડલા, મહિલા અંબર ચરખા કેન્દ્ર-સાવરકુંડલા મુખ્ય છે.  નિર્મળાબેન શેઠે આ ઉપરાંત મહિલા જાગૃતિ, સ્ત્રી સાક્ષરતા અભિયાન, રાત્રી-શાળાઓ, સિવણ વર્ગો, વ્યસનમુકિત કેન્દ્ર શરૂ કરવામાં મહત્વની ભૂમિકા રહી હતી. આરઝી હકૂમતના સૈનિક અને મહાન સ્વાતંત્ર્યસેનાની શ્રી ગુણવંતભાઈ પુરોહિતે નિર્મળાબેન શેઠને, ‘લોકસેવિકા’ કહી બિરદાવ્યા હતા. નિર્મળાબેન શેઠનું મૃત્યુ ૧૩/૩/૨૦૦૬ના રોજ થયું હતું.

Related Posts