કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા આજે ભાવનગરનાં પાલીતાણા તાલુકાનાં વાળુકડ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે દેશમાં સૌપ્રથમ ડ્રોનથી દવા છંટકાવ કરવાનાં અભિનવ પ્રયોગનું નિદર્શન નિહાળ્યું હતું.
તેમણે કહ્યું કે, દેશમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયોગ છે. નવા ભારતનાં નિર્માણની નેમ સાથે નવું જાણી, સમજી તેનું જીવનમાં અમલીકરણ કરી જીવન ઉન્નત બને તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.
ખેડૂતો વર્ષોથી ખભે દવાનાં પંપ લટકાવીને પોતાનાં ખભા દુઃખાડતાં હોવાથી તેની જગ્યાએ ખેડૂત ઓછી મહેનતે વધુ વિસ્તારમાં દવાનો છંટકાવ થાય તે માટે સરકાર વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રોન આધારિત ખેત પદ્ધતિઓનો આવિષ્કાર કરવા માટે કટિબધ્ધ છે.
આ ડ્રોનનો ઉપયોગ કરવા માટે રૂ.૫ લાખનો ખર્ચ થાય તેમ છે. આ ડ્રોનમાં ઉપયોગ માટે દેશનાં દરેક ગામમાં એક યુવાન તૈયાર કરવામાં આવશે. જે યુવાન આ માટે આગળ આવે તેને રૂ.૫૦ હજારથી રૂ.૧ લાખનું રોકાણ કરવાનું રહેશે. બાકીની રકમની લોન જે-તે કંપની મારફતે સરકાર દ્વારા અપાય તે માટેની વ્યવસ્થાઓ વિકસિત કરવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.
નેનો યુરિયા બાબતે તેમણે કહ્યું કે, તેના ઉપયોગથી ખેડૂતોનાં સ્વાસ્થ્ય સાથે ખેતરનું/ ખેતીનું સ્વાસ્થ્ય સુધરશે. તેનો વધુ ઉપયોગ થવાથી સરકાર પર સબસીડીનું પણ ભારણ ઓછું થશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશી કૃષિ પદ્ધતિઓ દ્વારા ઓર્ગેનિક ખાતર વાપરવાનું, ધરતીમાતાનું રક્ષણ કરવાં આહવાન કર્યું છે ત્યારે નેનો યુરિયા તે માટે ઉપર્યુક્ત બનશે.
ભારત વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે, ત્યારે ડ્રોન ટેકનોલોજી તેમાં આગળની ભૂમિકા ભજવી શકે છે.
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર યુરિયા માટે પ્રતિ થેલી રૂ.૧૬૦૦ સબસીડી આપે છે. ભાવનગર જિલ્લાનાં મોટાભાગનાં ડેમો નર્મદાનાં પાણીથી ભરવામાં આવ્યાં છે. તે રીતે ખેડૂતો દરેક બાબતોમાં સરકાર દ્વારા પૂરતી મદદ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યાં છે.
ઇફકોનાં વાઇસ ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ કહ્યું કે, નેનો પ્રક્રિયાથી ખેતીનું રક્ષણ થશે. ઇફકો દ્વારા નેનો પ્રક્રિયાની શોધ કરવામાં આવી છે. યુરોપીયન અને અમેરિકન કંપનીઓ તેને મેળવવા માટે લાઈનમાં છે.
વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વમાં ભારતનું મસ્તક ઉજ્જવળ કર્યું છે, ત્યારે તેમનાં નેતૃત્વમાં સરકાર ક્ષેત્રે પણ દેશમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ પરિસંવાદમાં ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, શ્રી ઘનશ્યામભાઈ, શ્રી નાગજીભાઈ તથા વાળુકડ ગામ તથા આસપાસનાં ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments