નોએલ ટાટા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત
રતન ટાટાના નિધન બાદ તેમના સ્થાને જૂથની કમાન કોણ સંભાળશે તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. જાેકે હવે આ વાતનો અંત આવ્યો છે. રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાની ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોએલ ટાટા પહેલેથી જ ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે, અને દરેક તેમના નામ પર સંમત હતા. સંબંધમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલની કાર્યશૈલી વિશે વાત કરીએ તો, તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેઓ છેલ્લા ૪૦ વર્ષથી ટાટા ગ્રુપમાં સક્રિય છે અને ગ્રુપની ઘણી કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. નોએલ ટાટાનો જન્મ ૧૯૫૭માં થયો હતો. તેઓ ભારતીય મૂળના આઇરિશ ઉદ્યોગપતિ છે અને ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. તેમના પ્રારંભિક જીવન વિશે વાત કરીએ તો, તેમણે યુનિવર્સિટી ઓફ સસેક્સમાંથી સ્નાતક અને આગળનો અભ્યાસ ફ્રાન્સમાંથી કર્યો હતો.
નોએલે તેની કારકિર્દીની શરૂઆત ટાટા ઈન્ટરનેશનલ સાથે કરી હતી, જે વિદેશમાં ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે જવાબદાર ટાટા જૂથની કંપની છે. હાલમાં, તેઓ ટ્રેન્ટ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર અને ટાઇટન કંપની અને ટાટા સ્ટીલના વાઈસ ચેરમેનનું પદ ધરાવે છે. તેઓ ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટનો ૬૬% હિસ્સો પણ ધરાવે છે, જે ટાટા ગ્રૂપની ઘણી કંપનીઓની હોલ્ડિંગ કંપની છે. તેઓ ટાટા સ્ટીલના વાઇસ ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં પણ છે.
રતન ટાટા જીવનભર અપરિણીત રહ્યા અને તેમનો કોઈ વારસદાર નહોતો. તેમના નાના ભાઈ જીમી ટાટા પણ જાહેર જીવનથી દૂર રહે છે અને મુંબઈમાં ફ્લેટમાં રહે છે. જાેકે, તેમની પાસે ટાટા ગ્રુપમાં પણ હિસ્સો છે. જીમીએ પણ લગ્ન કર્યા નથી, તેથી તેનો કોઈ વારસદાર પણ નથી. નોએલ ટાટાના ચેરમેન પદ માટે સૌથી મજબૂત ઉમેદવાર સાબિત થયા કારણ કે તેમની પાસે ગ્રૂપની ઘણી કંપનીઓમાં હિસ્સો છે અને તે અન્ય સભ્યો કરતાં વધુ સક્રિય છે. તેમના પરિવારના અન્ય સભ્યો પણ ગ્રુપની અન્ય કંપનીઓમાં કામ કરે છે અને તેમના બાળકો લેહ, માયા અને નેવિલ પણ આ કંપનીઓ સાથે જાેડાયેલા છે.
Recent Comments