નોન એસી અને એસી બસના ભાડામાં રૂા.૧૦૦ સુધીનો વધારો થશે. તૈયારી રાખજાેઃ ડિઝલના ભાવ આસમાને પહોંચતા લક્ઝરી બસમાં મુસાફરી મોંઘી થશે
કોરોનાની મહામારીએ હળવા પગલે વિદાય લીધી છે ત્યારે પેટ્રોલ- ડિઝલના વધતા સતત ભાવોને લીધે લોકોના ખિસ્સા પર આર્થિક માર પડયો છે. હવે તો ખાનગી લકઝરી બસમાં મુસાફરી કરવીય મોંઘી પડશે કેમ કે, અમદાવાદથી વિવિધ શહેરો વચ્ચે દોડતી ખાનગી લકઝરી બસોના ભાડામાં પણ ૨૦ ટકા સુધીનો વધારો થવા જઇ રહ્યો છે. આગામી તા. ૧લી જૂનથી નવા બસ ભાડાનો અમલ થશે.
કોરોનાની ગતિ મંદ પડી છે ત્યારે હવે લોકો ધીરે ધીરે બસોમાં ય અવરજવર કરવા માંડયા છે. એસટી બસોની સરખામણીમાં ખાનગી લકઝરી બસોમાં જનારો એક અલાયદો વર્ગ છે. અમદાવાદ શહેરમાં પાલડી,ગીતામંદિર,બાપુનગર ઉપરાંત વસ્ત્રાપુર,શાહીબાગ ખાનગી લકઝરી બસના બસઅડ્ડા છે. હવે જયારે ડિઝલના ભાવો આસમાને પહોંચ્યા છે તે જાેતાં ખાનગી લકઝરી બસ ઓપરેટરોએ પણ બસભાડામાં વધારો કરવા નક્કી કર્યુ છે.
અમદાવાદથી રાજકોટ, ભૂજ, જામનગર, સુરત અને જૂનાગઢ સહિતના શહેરોમાં ડેઇલી બસ સર્વિસ ચાલી રહી છે. કોરોનાકાળ બાદ અનલોક થયા બાદ અત્યારે ગુજરાતમાં ૧૫૦૦થી વધુ ખાનગી લકઝરી બસો દોડી રહી છે. નોન એસી અને એસી બસના ભાડામાં રૂા.૧૦૦ સુધીનો વધારો થશે.
બસ ભાડાના વધારા પાછળના કારણો અંગે બસ ઓપરેટરોનું કહેવુ છેકે, બે ટાયરનો ભાવ રૂા.૨૫ હજાર હતો તે વધીને રૂા.૩૪ હજાર થયો છે. ઇન્સ્યોરન્સનો ખર્ચ રૂા.૮૫ હજારથી વધીને રૂા.૧.૧૫ લાખ સુધી પહોંચ્યો છે. જયારે મહિને ટેક્સ ૪૪ હજાર સુધી ચૂકવવો પડે છે.
લોકડાઉન બાદ એવી કફોડી સ્થિતી છેકે, હપ્તા ન ભરતાં કેટલાય સંચાલકોની બસો બેંક દ્વારા સિઝરોએ જપ્ત કરી દીધી છે. ઘણાં બસ સંચાલકોએ બસો વેચવી પડી છે. આમ, ડિઝલના વધતા સતત ભાવોને પગલે બસ મુસાફરોના ખિસ્સા પર આર્થિક ભાર વધશે.
Recent Comments