પંચમહાલમાં તૂફાન ગાડી કૂવામાં ખાબકી, ફાયર ટીમને મૃતદેહ બહાર કાઢતાં ૧૨ કલાક લાગ્યા

પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના દેલોચ ગામે પોતાની બહેનના ત્યાં ભાઈબીજનો તહેવાર મનાવવા માટે આવેલા બે પિતરાઇ ભાઈઓ સહિત પોતાનો ભાણિયો ભાઈબીજના તહેવાર મનાવી પરત પોતાના વતન એક તૂફાન ગાડી લઇ નીકળ્યા હતા. ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં મોરવાહડફના દેલોચ ગામ પાસે તૂફાન ગાડી ૭૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં ગાડી સહિત એમાં સવાર મામા અને ભાણિયો પાણીમાં ગરકાવ થતાં મોતનો માતમ છવાયો હતો. બનાવની જાણ સ્થાનિક પોલીસતંત્ર અને ગોધરાની ફાયરબ્રિગેડ ટીમને થતાં બન્ને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આખી રાત સુધીની ભારે જહેમત બાદ તૂફાન ગાડી અને બે પિતરાઈ ભાઈ સહિત ભાણિયાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના દેલોચ ગામે પોતાની વહાલ સોયી બહેનના ત્યાં દાહોદ જિલ્લાના લીંમડી ગામે રહેતા ખોખર અલ્કેશ કનુ અને ખોખર સુનીલ દિલીપ બંને પિતરાઈ ભાઈઓ ભાણિયા માનગઢ લક્ષ્મણસિંહ રાવત ગામ દેલોચનાઓ ભાઈબીજનો તહેવાર મનાવવા માટે આવ્યા હતા.
આખો દિવસ આનંદ અને ઉલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરીને સાંજે બંને પિતરાઇ ભાઈઓ અલ્કેશ અને સુનીલ પોતાના ભાણિયા સાથે તૂફાન ગાડી લઇ મોરવાહડફના દેલોચ ગામથી લીંમડી ગામે નીકળ્યા હતા, જ્યાં અચાનક તૂફાન ગાડી પરથી કાબૂ ગુમાવતાં એ ૭૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતા. ત્યાર બાદ તાત્કાલિક ગોધરા ફાયરબ્રિગેડ ટીમને જાણ કરી હતી, જેથી તેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ૭૦ ફૂટ ઊંડા કૂવામાં પાણી વધારે હોવાના કારણે મોટર દ્વારા પાણી બહાર ખેંચવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગોધરા ફાયરબ્રિગેડના જવાનો દિનેશ ડિંડોર, ક્રિષ્ના સોલંકી, વંદન ઠાકોર, ભાવેશ ઠાકોર, સતીશ ડાંગી સહિતના ફાયરના જવાનો આખી રાત ૧૨ કલાક સુધી ૭૦ ફૂટ ઊંડા કૂવામાં ઊતરી તૂફાન ગાડી અને બંને પિતરાઈ ભાઈ અલ્કેશ અને સુનીલ સહિત ભાણિયાના મૃતદેહને વહેલી પરોઢે બહાર કાઢ્યા હતા.
Recent Comments