પક્ષી અભયારણ્યથી વોકિંગ પ્લાઝા સુધીનો રસ્તો ખખડધજ હાલતમાં : બિસ્માર રસ્તાને લીધે લોકો પરેશાન થાય છે અને આજુ-બાજુના અન્ય રોડ બનાવી દેવાયા પરંતુ આ એક જ રોડનું કામ શરૂ થયું નહીં
પોરબંદરની ગોઢાણીયા કોલેજથી પક્ષી અભયારણ્ય થઇને વોકિંગ પ્લાઝા તરફ જતાં રસ્તાને સીમેન્ટથી મઢવાની કામગીરી શરૂ થયા બાદ તંત્રએ કોઇ કારણોસર અભયારણ્ય સુધીનું કામ કરાવ્યું છે પરંતુ ત્યાંથી વોકિંગ પ્લાઝા તરફનું કામ આગળ વધ્યું નથી તેથી આ બિસ્માર રસ્તાને લીધે લોકો પરેશાન થાય છે અને આજુ-બાજુના અન્ય રોડ બનાવી દેવાયા પરંતુ આ એક જ રોડનું કામ શરૂ થયું નહીં હોવાથી કોંગ્રેસ દ્વારા પાલિકાએ રજૂઆત થઇ છે.
પોરબંદરમાં શહેર મધ્યે આવેલા પક્ષી અભયારણ્યથી છાંયાચોકી તરફ આવેલા વોકિંગ પ્લાઝા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ જ રસ્તા પર ગોઢાણીયા કોલેજ અને મોઢા કોલેજ આવેલી હોવાથી વિદ્યાર્થીઓનો આ રોડ પર ઘસારો વધુ જોવા મળે છે. આથી વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને આ રોડ પરથી વાહન લઇને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી પોરબંદર કોંગ્રેસ દ્વારા પાલિકાના તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ પાલિકાના તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર પક્ષી અભયારણ્ય થી છાંયા વોકિંગ વે સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે.
ત્યાં ઝાડી-ઝાંખરાનું સામાજય વધ્યું છે. તેથી ઝેરી જીવ-જંતુનો ઉપદ્રવ વધતા સ્થાનિકો હેરાન-પરેશાન છે. આ રોડ પર જ બે કોલેજો આવેલી હોવાથી વિદ્યાર્થીઓને આ રોડ પરથી વાહન લઇને પસાર થવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. વેકેશનની શરૂઆત થઇ હોવાથી પક્ષી અભયારણ્યમાં પણ પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. પ્રવાસીઓને પણ ત્યાંથી પસાર થવામાં પરેશાની વેઠવી પડે છે. આ રોડ પર ખાંડા અને કાંકરાને લીધે વાહનો સ્લીપ થાય છે. બીજું બાજુ ચોમાસું નજીક આવી રહ્યું છે. આ રોડનું સમારકામ તાત્કાલિક ધોરણે નહી કરવામાં આવે તો અકસ્માતનોં પ્રમાણ વધશે. પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા પક્ષી અભયારણ્યથી ગોઢાણીયા કોલેજ સુધીનો રસ્તો, હનુમાન મંદિર વાળો રસ્તો, મોઢા કોલેજનો રસ્તો, ભાજપ કાર્યાલ સુધી જવાનો રસ્તો અને પક્ષી અભયારણ્યથી છાંયા વોકિંગ વે સુધી જવાના રસ્તાનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ હનુમાન મંદિર વાળો રસ્તો, મોઢા કોલેજનો રોડ, ગોઢાણીયા કોલેજથી પક્ષી અભયારણ્યનો રસ્તો અને ભાજપ કાર્યાલયનો રસ્તો સિમેન્ટથી મઢી દેવામાં આવ્યો છે. પણ પક્ષી અભયારણ્યથી છાંયા વોકિંગ પ્લાઝા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જ છે. તેની કોઇ કામગીરી કરવામાં આવી નથી. તેથી વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તેથી પાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે આ રોડની કામગીરી શરૂ કરાવે તેવી કોંગ્રેસે માંગણી કરી છે.
Recent Comments