પગાર ધોરણની માંગ સાથે વડોદરા ફાયર બ્રિગેડ જવાનોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો
ઉચ્ચત્તર પગાર ધોરણની માગ સાથે વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના જવાનોએ કાળી પટ્ટી ધારણ કરીને આજે ફરજ બજાવી હતી. નોકરીના ૧૩ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ન મળતા જવાનોએ ગાંધી ચિધ્યા માર્ગ અપનાવી આંદોલનની શરૂઆત કરી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ આપવા માટેના ત્રણ સ્ટેજ નક્કી કર્યાં છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓની ભરતી વર્ષ-૨૦૦૮માં થઇ હતી અને હાલ નોકરીના ૧૩ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં નિયમ અનુસાર ઉચ્ચતર પગાર ધોરણ ૯નો લાભ હજુ સુધી મળ્યો નથી.
રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિમણૂંક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓની ૫ વર્ષની સેવાઓને બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક મળવાપાત્ર લાભો અંગે સેવા તરીકે ગણવાનો ઠરાવમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તેમ છતાં લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. કર્મચારીઓ છેલ્લા સાડા ત્રણ વર્ષથી વારંવાર લેખિત તથા મૌખીક રજૂઆતો કરી રહ્યા છે. તેમ છત્તા હજુ સુધી ઉચ્ચતર પગાર ધોરણ ૯નો લાભ મળ્યો નથી. સોમવારે જવાનોએ કોર્પોરેશનમાં પહોંચીને સત્તાવાળાઓને રજૂઆત પણ કરી હતી.
Recent Comments