પચાસ વર્ષ પૂર્વેનું એ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ચલાલા ગામ આમ તો ચલાલા એટલે સંત શ્રી દાન મહારાજનું ગામ..
આમ તો ચલાલા એટલે દાન મહારાજનું ગામ. લગભગ પંદર થી વીસ ગામનું હટાણું અહીં થતું. આમ પણ નૈતિક મૂલ્યોની જાળવણી માટે નાગરદાસ દોશી (નાગરબાપા) અને નરસિંહ દાસ ગોંધિયા, નંદલાલભાઈ જોષી, નાથાલાલ ચંદારાણા અને નાથાલાલ કાનજીભાઈ ઉનડકટ,નાગજીભાઈ અંટાળા, વીરજીભાઈ ધરમશીભાઈ કાકડીયાની ભૂમિ. વર્ષો સુધી પંચાયત રાજમાં આદર્શ વ્યવસ્થાનું નિર્માણ થયેલું.
એમાં એક હતી રાવળ શેરી અને ભટ્ટ શેરી બંને શેરીઓનો નાતો એવો કે એક શેરીમાંથી બીજી શેરીમાં આસાનીથી અવરજવર થઈ શકે. હા, રાવળ શેરીમાં વિતાવેલી એ બચપણની યાદોને હજુ પણ વિસરવું અશક્ય લાગે છે. રાવળ શેરી આમ થોડી વાંકીચૂકી પણ ત્યાં વસતાં લોકો સીધાસટ્ટ હતાં શેરીમાં પ્રવેશતાં જ લાલભાઈ મોચીની દુકાન ખૂણામાં સ્વાગત કરતી હોય તેવું લાગ્યા વગર રહેતું ન હતું.
શેરીની બરોબર સામે ફીદુભાઈની હાર્ડવેર અને એક્સપ્લોસીવ કેપ અર્થાત્ જેને સાદી ભાષામાં કૂવો ગાળવામાં વપરાતાં ટોટા કહેવામાં આવતાં. હાલ તો કૂવાની સંખ્યા નહિવત હોય આ ટોટા વપરાશમાં લેવાતાં હશે કે કેમ તે વિશે કંઈ ખ્યાલ નથી. શેરીમાં પ્રવેશતાં જ એક બંધ મકાન આવતું કહેવાય છે કે તે સમયે કોઈ બાબુભાઈ મીના ટ્રાન્સપોર્ટ વાળાનું હતું અને તેઓ રાજકોટથી ક્યારેક આવતાં આગળ જતાં એજ લાઈનમાં એક નાની આડી શેરી જેવા વિસ્તારમાં બે ત્રણ મકાન હતાં જે બહારની તરફ રામજી મંદિર વાળા રોડે દરવાજા પણ ધરાવતાં હતાં.
આ શેરીમાં એક મોટાં ફળિયાંવાળા મકાનમાં મોહનભાઈ માસ્તર રહેતાં અને તેની સામે જ ત્રિભુવનભાઈ દરજીનું મોટું દેશી નળિયાવાળુ મકાન હતું તેને લગોલગ અમારૂં મકાન અર્થાત્ હરગોવિંદભાઈ મૂળજીભાઈ દેવરાજભાઈ પાંધીનું એક નીચા પડથારવાળું મકાન અને તેની બરોબર સામે એક સોની કુટુંબ ગુલાબભાઈ સોનીનો પરિવાર રહેતો. તેની આગળ જતાં આજે એક બંધ હાલતનું મકાન અમારી દિવાલને લગોલગ હતું. અને તેની બાજુમાં આજે જે દાનેવ ભજીયા તરીકે ચલાલા અને આસપાસના વિસ્તારોમાં ખ્યાતિ ધરાવે છે તે વાસુરભાઈનું મકાન હતું.
નાનપણમાં દિલીપ સાથે નવરાત્રિની ગરબી મંડળમાં આખા ગામમાં ફાળો ઉઘરાવવા નીકળતાં તે પણ ન ભૂલાઈ. અને રાવળ શેરીમા રહેતાં નંદલાલભાઈ જોષી એક વૈદ્ય તરીકે ઓછા અને રાજનેતા તરીકે વધારે કાર્યરત હોવાથી અવારનવાર એનાં ઘરે રાજકારણી અને સાહિત્યકારોનો પણ જમાવડો રહેતો મને આછું આછું યાદ હોય તો નટુભાઈ જોષી નંદલાલભાઈના ભાઈ, પી. સી. મગદાણી, એમ. આર ભટ્ટ સાહેબ, છેલભાઈ જોષી તેમજ મોરારીબાપુ પણ ક્યારેક પધારતાં એવું આછું સ્મરણ છે અને સાહિત્યની રમઝટ રાત્રિના લાંબા સમય સુધી ચાલતી. અને એને અડીને મનુભાઈ લુહારનું જાળીવાળું મકાન જયાભાભી, કંચનબેન, સુમીબેન, હેમીબેન વગેરે અને સામેની બાજુમાં નાથાલાલ કાનજીભાઈ ઉનડકટની ફળિયાબંધ ડેલી.
નાથાબાપા એટલે એક જે. પી. નો ઈલ્કાબ ધરાવતાં અને કાનૂની વિધિનાં સારાં જાણકારી ધરાવતા એક વિશિષ્ટ પ્રતિભા જ સમજવી. એનું જાજરમાન વ્યક્તિત્વ તેમનાં મિજાજનો પરિચય આપ્યા વગર ન રહે. હા, અને ચલાલા જેવડા નાનકડા ગામમાંથી જયેન્દ્રભાઈને આજથી પચાસ વર્ષ પૂર્વે અમેરિકા જતાં જોયાં હતાં. કેટલાય લોકો તેને શુભેચ્છા આપવા રાવળ શેરીમાં આવ્યા હતાં. આ રાવળ શેરીમાં દુલેરાય મહેતા કે જેનાં નામની ચલાલામાં હાઈસ્કૂલ છે તે આર. કે. એમ. એમ. નું જૂનું નિવાસસ્થાન પણ હતું પરંતુ તેઓ તો વર્ષોથી મુંબઈ સ્થાયી થયાં હોય કોઈક દિવસ આંટો આવતાં. અને ભટ્ટ શેરીમાં આવેલું ભગવાનભાઈ દરજીનાં ઘર પાસેથી સીધાં દાનબાપુની જગ્યામાં નીકળી શકાતું. આ ભટ્ટ શેરીમાં પણ એક માધવ ભુવન નામનું આલીશાન મકાન હતું. ત્યારે કોઈ યોગેશ્વર દાદાને સમર્પિત લહેરી પરિવાર રહેતો. સ્વાધ્યાયી હોવાથી રાત્રે શ્ર્લોકોનાં પાઠ પણ થતાં અમને એનું થોડું ઘણું સ્મરણ છે.
હા, આ સમયમાં ઝરૂખા મંડળ નામનું એક મંડળ અસ્તિત્વમાં આવેલ અને મૂળીમાની જગ્યામાં દર ગુરૂવારે જલારામ બાપાની ધૂન ગાવાની શરૂઆત થઈ હતી. પ્રેમજીભાઈ નથવાણીએ પણ આ સંસ્થાને ખાસ્સું માર્ગદર્શન આપેલ. અને હાલ એ મૂળીમાની જગ્યા અનેક લોકોનું શ્રધ્ધાનું સ્થાન છે. આર, કે. એમ. એમ. હાઈસ્કૂલનાં રખેવાળી કરતાં સીદીબાપુનો વિનોદી સ્વભાવ આજે પણ સ્મૃતિપટ્ટ પર તરવરે છે. હા, ચલાલાની એ મોચી બજાર. અહીં ગામેગામથી લોકો હાથ બનાવટનાં પગરખાં સીવડાવવા આવતાં. ગામને છેવાડે આવેલી લોટ દળવાની ઘંટી અને ઈસાભાઈ ધુપેલ તેલ વાળાની પણ એક અલગ જ સ્મૃતિ લાગે છે. પટેલ શેરીમાં બાબુભાઈ કરિયાણાવાળા ખાસ તો દુધ દહીંનો એક અલગ સ્વાદ રહેતો ૫ પૈસાનું પળી દૂધ મળતું અને બે પૈસાની ચકલી છાપ ચા દરરોજ ચા-પાણીમાં કામ આવતી. અને અમન આર્ટ સ્ટુડિયો અને ફિરોજભાઈની ફોટોગ્રાફી.
અને મૂળીમાની શેરીનાં ખૂણે લાલભાઈની દુકાને પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી. અને હા બરોબર ચોકમાં જ શાકભાજીઓની ઘણી દુકાનો હતી. ટપુભાઈ બકાલી તરીકે જાણીતા એ શાકભાજી વિક્રેતાનો એ માયાળુ સ્વભાવ અને જનતા ટી સ્ટોલ નામની ચાની હોટલ ગફારભાઇનો પણ એક ગુલાબી સ્વભાવ દરેકને યાદ રહી જાય તેવો શાહી ઠાઠ સફેદ ઇસ્ત્રી ટાઈટ રેશમી વસ્ત્રો અને માથે કાળી ટોપી સાથે સિગારેટનો કશ લેતાં નજરે પડતાં એક અલગ જ પરિદ્રશ્ય હતું. અને ચલાલા લોહાણા મહાજન વાડીનાં ચોકમાં નવરાત્રીનાં એ પ્રાચીન ગરબા મહોત્સવ આજે પણ યાદ છે.
.તો વળી તિલક ચોકની એ નવરાત્રિ સમયે ચલાલાના મશહૂર તબલચી કનૈયાલાલ મહેતાના તાલે માતાજીના ગરબા સાંભળીને મન ખરેખર પ્રફુલ્લિત થઈ જતું. હા, અને બાલમંદિર કેમ ભૂલાય? અમરેલી રોડ પર ગામના છેવાડે ખાદી કાર્યાલયના મેદાનમાં આવેલું એ બાલમંદિર એ બાલમંદિરની અંદર ચકડોળ, લપસણી, હિંચકા ઉંચક નીચક અને સરલાબેનનો એ માયાળુ સ્વભાવ બાળકોના મન હરી લેતું.. અને ગરમા ગરમ પૌષ્ટિક નાસ્તો પણ ચિરંજીવી યાદીમાંથી બાકાત તો ન જ કરી શકાય. હા, અને એ બળદથી ચાલતો રેંકડોં. અને એમાં બેસીને બાલમંદિર જવાની મજા કંઈ ઓર હતી.. અંતમાં વરસાદી મોસમમાં એ શેરીના ગારાથી બનાવેલ રમકડાં..
છેલ્લે કહું તો સંસ્મરણો હમેશાં ચિરંજીવી હોય છે..અને જીવનની સાચી મૂડી પણ ધન દોલત નહીં પરંતુ બાળપણનાં સંસ્મરણો જ કહી શકાય.
Recent Comments