ગુજરાત

પત્નીને ભરણપોષણ નહીં ચૂકવતા વકીલે ૨૦૦ દિવસની જેલની સજા પડકારી તો હાઇકોર્ટે ૩૬૦ દિવસની જેલ કરી

પત્ની અને દિકરીને દર મહિને ૧૦ હજાર ભરણપોષણ ચૂકવવાના ફેમિલી કોર્ટના આદેશનો ભંગ કરનાર પતિને હાઇકોર્ટે ૩૬૦ દિવસની સજા ફટકારી છે. વ્યવસાયે વકીલ એવા પતિ સામે ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે પત્નીએ કરેલી અરજીમાં કોર્ટે દર મહિને પત્નીને ૧૦ હજાર ચુકવવા આદેશ કર્યો હોવા છતા મે ૨૦૧૮થી મે ૨૦૧૯ સુધીનું મેઇન્ટેનન્સ ચૂકવ્યું નહોતું. ૧૨ મહિનાના ૧.૨૦ લાખ નહીં ચૂકવતા ફેમિલી કોર્ટે ૨૦૦ દિવસની સજા ફટકારી હતી. જેની સામે પતિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ ગીતા ગોપીએ પતિને હાઇકોર્ટ સમક્ષ ખોટી રજૂઆત કરવા બદલ જેલની સજા વધારીને ૩૬૦ દિવસની કરી હતી.

વ્યવસાયે વકીલ પતિએ ફેમિલી કોર્ટના સજાના ચૂકાદાને પડકારતી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે અને વન ટાઇમ સેટલમેન્ટના નક્કી થયેલા ૮.૪૧ લાખ પણ ચૂકવી દીધા છે. તેણે હાઇકોર્ટ સમક્ષ ફેમિલી કોર્ટની રિસિટ પણ રજૂ કરી હતી. હાઇકોર્ટે આ અંગે પત્ની તરફે ખુલાસો માગતા પત્નીના વકીલે એવી રજૂઆત કરી હતી કે, વન ટાઇમ સેટલમેન્ટ થયું તેની પહેલા ૪ વર્ષ અને ૧૧ મહિના સુધી ભરણપોષણ નહીં ચુકવાતા ફેમિલી કોર્ટે તેના પતિને ૨૧૬૦ દિવસની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ ફરીથી તેણે ૧ વર્ષ સુધી ભરણપોષણ ચુકવ્યુ નહી. હાલ જે મેઇન્ટેનન્સની રકમ છે વન ટાઇમ સેટલમેન્ટ અને ડિવોર્સ પહેલાની બાકી નીકળે છે. કોર્ટ સમક્ષ સાચી માહિતી છુપાવનાર પતિ સામે હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી.

પત્નીએ હાઇકોર્ટમાં એવી રજુઆત કરી હતી કે, તેના પતિ સાથે પ્રેમલગ્ન હતા. પતિએ લગ્ન પહેલા પોશ એરિયામાં મોટા બંગલોઝ બતાવ્યા હતા. એક મિત્રના ખાલી પડેલા બંગલોઝમાં લઇ ગયો હતો. તેનાથી પ્રભાવિત થઇને લગ્ન કર્યા હતા. પરતું લગ્ન બાદ તરત જે ઘરમાં લઇ ગયો હતો તે એક બેડરૂમનું ઘર હતુ. ત્યારે પતિએ કહ્યુ હતુ કે થોડા દિવસ બંગલોઝ રીનોવેટ થાય પછી રહેવા જઇશું. હાઇકોર્ટે તેના અવલોકનમાં ફેમિલી કોર્ટના સજાના હુકમને યથાવત રાખીને જયા સુધી પતિ ભરણપોષણ નહી ચુકવે ત્યાં સુધી જેલની સજાનો હુકમ યથાવત રાખવા આદેશ કર્યો છે. અગાઉ પણ પતિને ૨૧૬૦ દિવસની સજા ફટકારી હતી.

Related Posts