પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી ૨૩ વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી ૨૩ વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે હત્યાના બનાવનો ભેદ જિલ્લા એલસીબી પોલીસે ઉકેલી કાઢયો છે. જેમાં મૃતકના સાવકા ભાઈ સહિત ૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કરંજખેડ ગામે રહેતા ૨૩ વર્ષીય યુવક સંપત કોંકણીની હત્યા કરાયેલી હાલતમાં પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી લાશ મળી આવી હતી. જે સમગ્ર મામલાની તપાસ જિલ્લા એલસીબીને સોંપાઈ હતી.
જેમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા મૃતક સંપતના પિતા આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને કોરોના કાળ દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. સરકારના નીતિ નિયમો મુજબના પૈસા મળ્યા હતા, જે પૈસાની વહેચણી બાબતે તેના સાવકા ભાઈ સાથે સામાન્ય ઝગડો થતો રહે છે. એ બાબતની તપાસમાં મહત્વની કળી મળતા એલસીબી પોલીસે સમગ્ર મામલે સાવકા ભાઈ સહિત ત્રણ આરોપીની અટક કરતા હત્યા તેઓ દ્વારા કરાઈ હોવાનુ બહાર આવ્યું હતું. પોતાના જ સાવકા ભાઈની પૈસા માટે હત્યા કરવાનું કાવતરું રચ્યા બાદ સાવકા ભાઈ સંદીપ કોંકણીએ મૃતક સંપતના બાળકો બીમાર રહેતા હોઈ જેઓ સાજા થઈ જશે એ માટે જંગલ વિસ્તારમાં જઈ વિધિ કરવાની લાલચ આપી હતી.
બાદમાં સાવકા ભાઈ એ વિધિ કરવાના બહાને જંગલ વિસ્તારમાં લઇ જઇ ત્યાં અન્ય આરોપીઓ કિરણ બાગુલ અને એક કિશોર વયના સગીર સાથે મળી બારબોરની બંદૂક વડે મૃતકને ગોળી મારી કિરણ બાગુલ એ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે તપાસ કરતા આરોપી સાવકા ભાઈ એ સાથી આરોપીઓને ૩ લાખમાં સોપારી આપી હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. કોરોના કાળ દરમ્યાન મૃત્યુ પામેલા પિતાના પૈસાને લઈ આજે એક સાવકા ભાઈ એ પોતાના સાવકા ભાઈની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે હાલ હત્યા પ્રકરણમાં પોલીસે આરોપી સાવકા ભાઈ સંદીપ કોંકણી અને તેના સાથી મિત્ર કિરણ બાગુલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની અટક કરી બંદૂક, કારતૂસ અને અન્ય મુદ્દામાલનો કબ્જાે લઈ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Recent Comments