પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર પદેથી દૂર કરો : ક્ષત્રિય સમાજઅમદાવાદમાં ક્ષત્રિય સમાજની ૯૦ સંસ્થાઓની બેઠક મળી
ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાએ માફી તો માંગી, પણ ક્ષત્રિયોનો રોષ શમ્યો નથી. રાજપૂત સમાજને થઇ રહેલા અન્યાયને તથા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે ભાષણ કરવાના વિરોધમાં સમગ્ર રાજપૂત સમાજ એક થયો છે. રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલા સામે બાંયો ચઢાવી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત રાજ્યના રાજપૂત સંગઠનોની સંકલન સમિતિ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી રૂપાલના નિવેદન પર ક્ષત્રિય સમાજમાં રોષ જાેવા મળ્યો. સાથે જ રૂપાલાને ઉમેદવાર પદેથી દૂર કરવા માંગ કરાઈ છે. રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાના સ્થાને અન્યને ટિકિટ આપવા માંગ કરાઈ. રૂપાલા નહીં બદલાય તો પરિણામ વિપરીત આવવાની ચીમકી બેઠકમાં આપવામા આવી છે. સાથે જ ભાજપ પક્ષ સામે કોઈ વાંધો ન હોવાની ક્ષત્રિય સમાજે કરી છે.
અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં રોષ જાેવા મળ્યો છે. બેઠક બાદ ક્ષત્રિય સમાજે કહ્યું કે, અમારે ભાજપ સાથે કોઈ વાંધો નથી. પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર પદેથી દૂર કરવા અમારી માંગ છે. રૂપાલાના સ્થાને અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપો. રૂપાલા નહીં બદલાય તો ભાજપને પરિણામ ભોગવવું પડશે. અમે રૂપાલા સામે એક તરફી મતદાન કરીશું. દરેક જિલ્લામાં રૂપાલાના પૂતળાનું દહન કરાશે. રાજપૂત સમાજ રૂપાલાને ક્યારેય માફ નહીં કરે. સમાજના વીરભદ્ર સિંહ જાડેજાએ કહ્યું કે, રૂપાલાને ઉમેદવાર રાખશો તો પરિણામ બદલવાની અમારી તાકાત છે. રૂપાલાની ટિકિટ રદ થવી જાેઈએ. રૂપાલા એક માત્ર ટાર્ગેટ છે. બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો અમે તેની સાથે રહીશું. આ અમારી ઈજ્જત પર વાર છે. સમાજ તેમને માફ નહિ કરે. અમે ૨૬ બેઠકોમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માંગ મૂકી હતી. સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજાે. આ બેઠકમાં ૯૦ સંસ્થાના આગેવાનો હાજર રહ્યાં. ટૂંક સમયમાં રાજકોટમાં મહાસંમેલન યોજાશે.
ગોહિલવાડ સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે કહ્યું કે, રૂપાલાએ વાણી વિલાસ કર્યો છે તેના ઘેરા પડઘા પડ્યા છે. સુરેન્દ્રનગર, રાજકોટમાં આવેદન પત્ર આપાયા છે. રૂપાળાનું પૂતળાં દહન કરવાનું આયોજન છે. અમને સમાધાન માન્ય નથી. અમને પક્ષ સામે વાંધો નથી, વ્યક્તિ સામે વાંધો છે. રૂપાલાનો જ વિરોધ છે. તેમના વિરોધમાં મતદાન કરીશું. ક્ષત્રિયો તેમની તાકાત બતાવશે. સમગ્ર ગુજરાતમાં ૧૭ ટકા જેટલું ક્ષત્રિય સમાજનું મતદાન છે. તો ક્ષત્રિય મહાસભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ કહ્યું કે, રૂપાલાએ અમારી અસ્મિતા પર ઘા કર્યો છે. તેથી તેમની ઉમેદવારી રદ કરવાની અમારી માંગ છે. કારડીયા, નાડોદા, સહિત ક્ષત્રિય સમાજ સાથે ૨ લાખનું વિશાળ સમેલન યોજીશું. રાજકોટને કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવાશે. રૂપાલા સામે હાઇકોર્ટમાં રીટ કરીશું.
કોર્ટ આ મામલે સુઓમોટો લે. મત લેવા કોઈ જાતિ કે જ્ઞાતિનું ઉચ્ચારણ કરવું યોગ્ય નથી. બે દિવસ પછી ફરી પ્રેસ કરીશું. ૧૬ તારીખ પહેલાં રૂપાલાને બદલવા અમારી માંગ છે. અમારો મુદ્દો રૂપાલા જ છે. અમે ભાજપના આગેવાનો સાથે બેસીશું. પણ માગ આ જ રહેશે. આજે સીઆર પાટીલ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને રૂપાલા મામલે ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું લાગે છે કે રાજપૂત સમાજ લડી લેવાના મૂડમાં છે અને રૂપાલાને બદલીને જ રહેશે. રાજકોટમાં સીઆર પાટીલે ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ બાદ પાટીલે કહ્યું કે, આ વિવાદનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે. એક-બે દિવસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે.
Recent Comments