ગુજરાત

પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

કારંજ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ ૨૦૦૮માં ખેડા જિલ્લામાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના સાત વર્ષ બાદ પતિ કામધંધો ન કરીને પરિણીતાને ત્રાસ આપતો હતો. બીજી બાજુ સાસુ પરિણીતાને કહેતા કે, કામ ધંધા અર્થે મારા છોકરાને તારે કંઇ કહેવાનું નહીં અને પિયરમાંથી દહેજ લાવવા માટે દબાણ કરતા હતા. જેઠ પણ પરિણીતાને કહેતો કે, તારી માએ મારા ભાઇને ખોટી બલા પકડાવી દીધી છે.

તારા કરતા અમારા દીકરાને સારી કન્યા મળતી હતી અને દહેજમાં ૧૦૦ તોલા સોનાના દાગીના મળતા હતા તેમ કહીને દહેજ લાવવા દબાણ કરતો હતો. થોડા દિવસ માટે પરિણીતા પિયરમાં બાળકો સાથે રહેવા ગઇ હતી. ત્યાંથી પરત સાસરીમાં આવી ત્યારે પતિએ તેણે કહ્યું કે, તું એચઆઇવી ટેસ્ટ કરાવી દે. બીજી બાજુ, પરિણીતાના દાગીના પતિએ લઇ લીધા બાદમાં સાસરિયાઓએ વેચી દીધા હતા. પરિણીતાએ પોતાના સંતાનોને દૂધ અને નાસ્તો પહેલા આપતા પતિ ઉશ્કેરાઇ જઇને બીભત્સ શબ્દો બોલીને મારઝૂડ કરતો હતો. પતિએ પરિણીતાને ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

પરિણીતાએ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત નવ સામે ફરિયાદ નોંધાવી છે.ખેડામાં રહેતા સાસરિયાઓએ કારંજની એક પરિણીતાને દહેજ લાવવાનું કહી માર મારી ત્રાસ આપ્યો હતો. આટલું જ નહીં, એકવાર મહિલા તેના પિયરમાંથી પરત આવી ત્યારે તેણીની મરજી વિરુદ્ધ પતિએ એચઆઈવી ટેસ્ટ કરાવવાનું કહેતા મહિલાના મગજ પર ગંભીર અસર પણ થઈ હતી. મહિલાએ ત્રિપલ તલાક આપનાર પતિ સહિતના લોકો સામે અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Related Posts