fbpx
અમરેલી

પરિવારથી વિખૂટા પડી ગયેલા ઉત્તરપ્રદેશના મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલન કરાવ્યું

ભારત સરકાર દ્વારા પુરસ્કૃત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર અમરેલી  એ જિલ્લા મહિલા અને બાળ કચેરીના માર્ગદર્શન તળે અમરેલી સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત છે. હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત નીચે તમામ મદદ પૂરી પાડવામાં આવે છે. તાજેતરમાં સખી વન સ્ટોપ સેન્ટર અમરેલી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. પરિવારથી વિખૂટા પડી ગયેલા એવા મૂળ ઉત્તર પ્રદેશના અને માનસિક અસ્થિર મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટરની પ્રસંશનીય કામગીરીથી પરિવાર સાથે સફળતાપૂર્વક પુન: મિલન થયું હતું.

        તાજેતરમાં વડીયા રેલવે સ્ટેશન પર હિન્દી ભાષામાં વાત કરતા એક મહિલા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને મળી આવ્યાં હતાં. મહિલા માનસિક રીતે થોડા અસ્વસ્થ જણાતા હોવાથી તેઓ અહીંયા કેવી રીતે પહોંચી ગયા અને ક્યાંના છે તેની માહિતી સરળતાથી મળી શકે તેમ નહોતી. દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તેમનું કાઉન્સેલીંગ કરવાથી તેમણે તેઓ મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના હોવાનું જણાવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી એસ.આઈ. કણઝારીયાના માર્ગદર્શન હેઠળ મેરઠ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને મહિલાના પરિવારની ભાળ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન મેરઠ પોલીસની તપાસમાં આ મહિલા ઘરેથી નીકળી ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન મહિલાના પરિવાર વિશે ભાળ મળતા તેમના બહેનોના પુત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરમિયાન મહિલા પાસેથી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    અધિકારીશ્રી અને કર્મચારીઓના સઘન પ્રયાસોથી આ મહિલાના બહેનનો પુત્ર અમરેલી આવી પહોંચતા આ પરપ્રાંતીય મહિલાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં સફળતા મળી હતી. આમ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સખી વન સ્ટોપ સેન્ટરની પ્રસંશનીય કામગીરી થકી મહિલાને સુરક્ષિત રીતે પોતાના વતનમાં પહોંચાડવામાં સફળતા મળી છે.

Follow Me:

Related Posts