પવિત્ર શ્રાવણ માસના સ્વયંભૂ ભોળાનાથના દર્શન કરીએ
અડાબીડ જંગલની વનરાજી વચ્ચે સ્વયંભૂપ્રગટ”શ્રી ઝાંઝનાથ મહાદેવ”
“યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત
અભ્યુત્થાનમર્ધમસ્ય તદાત્મનં સૃજામ્યહમ”
મહાભારતના યુદ્ધમા જન્મેલ ગીતાજીનું ગાન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યુ છે. તેમાં આપેલ ખાતરી મુજબ જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનો વધારો થાય ત્યારે ભગવાન અવતાર લઈ પૃથ્વી ઉપરનો ભાર ઉતારે છે ભારતીય ભોમની વંદુ તનયાવલી જય હો જય હો સૌરાષ્ટ્ર ધરણી એ મુજબ ભારતની આ દેવભૂમિમાં પરમ કૃપાળુ પરમેશ્વરે સ્વયંભૂ પ્રગટ થઈ પ્રજાનું રક્ષણ કર્યું છે….. વિસાવદર તાલુકામાં જંગલની વનરાજી મનોહર ડુંગરાઓ ની વચ્ચે ઝાંઝેશ્રી નદી વહે છે ધારી તાલુકાના મોણવેલ ગામ પાસે આવેલા રમણીય ડુંગર માંથી પ્રારંભ થયેલ આ નદી રમતી દડતી શાંત પ્રવાહમાં પોતાના કિનારા પર આવેલ જમીનને રસાળ અને ફળદ્રુપ કાપવાળી બનાવતી મહારાણી જેમ શાંત પ્રવાહમાં વહે છે. આ નદીના કિનારા પર ઝાંઝેસર નામે પંખીના માળા જેવું નાનકડું ગામ અને આ નદી પર જ ઝાંઝેશ્રી નામનો મોટો ડેમ આવેલ છે. નદીના કાંઠા પર ઉંચો ઘોડી વાળો ઢાળ છે કમર સુધીના પાણી વહે છે.
તેના કિનારા પર સ્વયંભૂ ભોળાનાથનું પ્રગટેલ શિવલિંગ છે જે હાલ મા શ્રી ઝાંઝનાથ મહાદેવ તરીકે ખ્યાતિ પામેલ છે જ્યાં હાલ શ્રી વિજયગીરી બાપુ મહાદેવના પુજારી તરીકે સેવા આપે છે અહીં અમરેલી, ધારી, બગસરા, વિસાવદર, ભલગામ સહિત આજુબાજુના ગામડાઓના વિસ્તારોમાંથી ભક્તજનો દર્શન પૂજન માટે ઉમટી પડે છે .ખાસ કરીને શ્રાવણ માસની અંદર ભક્તો ભાઈઓ અને બહેનોની ભીડ જોવા મળે છે શ્રી ઝાંઝનાથ મહાદેવ જેવા રમણીય અને ચારે તરફ જંગલ અને પ્રકૃતિ ખીલેલા આ રમણીય સ્થળ ને યાત્રાધામ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની લોકોએ માગણી કરેલ છે. ઝાંઝનાથ મહાદેવ ને લેઉઆ પટેલ સમાજના સાબલપરા અટક વાળા પરીવારો પોતાના ઇષ્ટદેવ માની અને પૂજન કરે છે ભોળાનાથ નો પવિત્ર મહિનો શ્રાવણ માસ દુર દુરથી યાત્રાળુઓ ની ભીડ જામે છે ટૂંકમાં આપણે કહેવત મુજબ હૈયે હૈયું દળાય છે નદીના એક કિનારે ઝાંઝનાથ મહાદેવ બિરાજમાન છે તો સામે કાંઠે મા ગાયત્રીના પરમ ઉપાસક અને જેને માતાનો સાક્ષાત્કાર થયેલો તેવા બ્રમ્હર્ષી પૂજ્ય શ્રી બચુઅદા(માંડણ કુંડલા)દ્વારા ભગવતી ગાયત્રી માતાનું ભવ્ય મંદિર નું નિર્માણ થયું અને હજારો ગાયત્રી યજ્ઞના ધુમ્રસેર થી સમગ્ર વાતાવરણ પાવન અને સુગંધિત બન્યું છે.
લોકવાયકા મુજબ ૫૦૦૦ હજાર વર્ષ પહેલાં ની વાત છે.. ત્યારે અહીં ગાઢ જંગલમાં આ નદી કિનારે ઘણું ઊંચું ઘાસ થતું હતું તેથી આજુબાજુના ખેડૂતો ગાડા ભરી અને આ ઘાસ લઈ જતા એક દિવસ આઠ ગાડા એક સાથે આવ્યા ઘાસ વાઢી ગાડા ભરી અને સૂર્યાસ્ત પહેલા જંગલમાંથી પોતાનું ગાડું લઈ અને ઘરે જતા તેમાં સાત ગાડા આગળ નીકળી ગયા. એક ખેડૂત નું ગાડું પાછળ રહી ગયું તે સમયે ગાડાને ટાયર ના પૈડાં ન હતા એટલે લોકો લાકડાના પૈડાને લોખંડની વાટ ચડાવી ઉપયોગ કરતા પાછળ રહી ગયેલું ગાડું આ નદીના બહુ ઊંચી ઘોડી વાળો ઢાળ ચડતા પૈડું ભાંગી ગયું ખેડૂત ચિંતામાં ગાડા પાસે બેસી ગયો હવે શું કરવું અંધારું થવા આવ્યું હતું ત્યારે મંદિરેથી સાધુ સ્વરૂપે પ્રભુ પધાર્યા ભગત ને કહે શું કરો છો ભગત તો ભગતે જે ઘટના બની હતી તે વિગતે આ સાધુને વાત કરી સાધુએ કહ્યું ચાલો મારી જોડે ગાડા નું બીજું વાટવાળું પૈડું છે તે લઈ જાવ ખેડૂતે બીજું પૈડું લાવી અને ચડાવી દીધું ભગતને બાપુએ કહ્યું ચાલો ગાડું જોડો હું ધક્કો મારી દઉં આમ ત્રીજી વખત કહ્યું ત્યારે ભગતને અંદરથી એવો આભાસ થયો અને ગાડું જોડ્યુ.
બાપુએ ધક્કો માર્યો અને ગાડુ કાચી સડક પર ચડી ગયું અને ખૂબીની વાત તો એ હતી કે બધાની પહેલા આ ભગત ઘેરે પહોંચી ગયા. બનેલી ઘટના પરિવારને કહી બધા સૂઈ ગયા. આ ભગતને બાપુ સ્વપ્નમાં આવ્યા અને કીધું ભગત જાગો છો કે સૂઈ ગયા? ભગત કહે બાપુ જાગુ તો છુ પણ તમે ક્યાં ગયા હતા ?ત્યારે બાપુએ જવાબ આપ્યો છે તું લાકડાનું પૈડું લેવા આવ્યો હતો ત્યાં આવજે અને મારું નામ ઝાંઝનાથ ઝાડી વાળા દાદા છે અને ત્યાં શિવલિંગ છે અને તું શોધજે એટલામાં શિવલિંગ ના દર્શન થશે….અને કહ્યું કે આજથી હું તારો ઇષ્ટદેવ ઝાંઝનાથ જાડીવાળા એમના પરિવારમાં દાદા ની કૃપાથી કોઈપણ ઝેરી જીવજંતુ કરડશે તો મરશે નહીં .તેવુ વચન આપી અંતરધ્યાન થયા.
અમરેલી જિલ્લાના રફાળા ગામને જેણે ગોલ્ડન સીટી બનાવી વતનનું ઋણ પૂર્ણ કર્યું છે તેવા મૂળ રફાળાના અને હાલમાં સુરત નિવાસી મોટા ઉદ્યોગપતિ ગુજરાતના પનોતા પુત્ર દાતા શ્રી સવજીભાઈ વેકરીયા પણ પેઢી દર પેઢી થી શ્રી ઝાંઝનાથ મહાદેવ મા ખુબ શ્રદ્ઘા અને આસ્થા ધરાવે શ્રી સવજીભાઈ વેકરીયા એ આ મંદિરના વિકાસ માટે સંકલ્પ કરેલ છે અને યાત્રાધામ બનાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે .અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા ધારી ના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા એ પણ થોડા સમય પહેલા દાદા ના દર્શન કરી પુજાઅર્ચના અને અભિષેક કરેલ અને આ રમણીય પરિસરને યાત્રાધામ તરીકે વિકાસ કરી શકાય તેમ છે અને આ કાર્ય મા જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવા ખાતરી આપેલ….. ગ્રામજનો તેમજ ભક્ત સમુદાય આ રમણીય પરિસરના વિકાસ માટે પ્રયત્નશીલ થયાનું જણાવેલ છે ખાસ તો સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રિય જનતા જનાર્દનના હૃદયસ્થ દાદા માટે કંઈક કરી છૂટવાની ભાવના વ્યાપક બને છે
આવા પ્રચલિત પ્રાચીન મંદિરના પરિસરને લીલી નાઘેર જેવું નમૂનાદાર બનાવી શીરમોર સ્વચ્છતા, માટે પ્રકૃતિનું જતન કરનાર સરપંચ શ્રી જયેશભાઈ જગુભાઈ શાક ,હરેશભાઈ મંગળુભાઈ શાક તેમજ હોન હાર યુવાન રાષ્ટ્ર પ્રેમી એવા અમરેલી જિલ્લા ભાજપ ના અગ્રણી કાર્યકર શ્રી દીપકભાઈ વઘાસીયા અને ગ્રામજનો સમેત એક સંપ થઈ આખો શ્રાવણ માસ ખડે પગે રહી દાદા ની સેવા અને પર્યાવરણનું જતન કરી રહ્યા છે. સામાજિક અને રાજસ્વી મહાનુભાવો દાદાની પ્રેરણાથી ભવ્ય પરિસર યાત્રાધામ બને તે દિશામાં નામદાર સરકારશ્રીનું ધ્યાન દોરે છે.
Recent Comments