fbpx
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે રેમલ વાવાઝોડાએ કર્યું લેન્ડ ફોલ, ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો

ચક્રવાતી તોફાન રેમલને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, આઈએમડી અનુસાર પવનની ગતિ ૧૨૦-૧૩૦ કિમી પ્રતિ કલાકની રહી શકે છે. દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની ૧૪ ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાન રેમલને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે. ચક્રવાતની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ચક્રવાત રેમલનું કેન્દ્ર દરિયાકિનારાથી લગભગ ૨૦ કિલોમીટર દૂર છે. આગામી ૩-૫ કલાક સુધી લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ રહેશે. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ શરૂ થયું છે. ‘રેમલ’ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું છે જેને કારણે ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો છે.

ચક્રવાત રેમલને ધ્યાનમાં રાખીને, ઓડિશાના વિવિધ ભાગોથી દિઘા (બંગાળ) સુધીની છ ટ્રેનો રદ કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે, ઓડિશા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ ૨૦ હજાર માછીમારી બોટોને સુરક્ષિત રાખી છે. એનડીઆરએફની ટીમોએ પણ ચાર્જ સંભાળી લીધો છે.

ચક્રવાતી તોફાન રેમલનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. હાલમાં કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. ગવર્નરએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. દિલ્હીમાં પીએમ મોદીએ આ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી. ગવર્નર ડૉ. સીવી આનંદ બોઝે કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને રાજ્ય અને કેન્દ્રના નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. આ પહેલા કોલકાતા એરપોર્ટ ઓથોરિટીએ રવિવાર બપોરથી ૨૧ કલાક માટે ફ્‌લાઇટ ઓપરેશન સ્થગિત કરી દીધું હતું. ઈસ્ટર્ન અને સાઉથ ઈસ્ટર્ન રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરી છે. ચક્રવાતને ધ્યાનમાં રાખીને નેવીએ પણ તૈયારીઓ કરી લીધી છે. તબીબી સુવિધાઓથી સજ્જ જહાજો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સી કિંગ અને ચેતક હેલિકોપ્ટર તેમજ ડોનિર્યર એરક્રાફ્‌ટ પણ ઝડપી પ્રતિસાદ માટે તૈયાર છે. સાધનો સાથે ખાસ ડાઇવિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે.

ચક્રવાત રેમલ ના કારણે પશ્ચિમ બંગાળમાં ઉત્તર, દક્ષિણ ૨૪ પરગણા, કોલકાતા, હાવડા, હુગલી, પૂર્વ મિદનાપુર, નાદિયા અને મુશિર્દાબાદ જિલ્લામાં ખૂબ જ ભારે પવન સાથે અતિ ભારે-અતિ ભારે વરસાદની સંભાવના છે. ૨૭-૨૮ મે, ૨૦૨૪ દરમિયાન પૂર્વ બર્દવાન, પશ્ચિમ મિદનાપુર, બીરભૂમમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
ચક્રવાત રેમલ પછીની પરિસ્થિતિનો સામનો કરવા માટે કોલકાતામાં લગભગ ૧૫,૦૦૦ નાગરિક કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે, “અમે ભયભીત છીએ કારણ કે આ વાવાઝોડાની કોલકાતા પર અસર થવાની સંભાવના છે. હવામાન કચેરીની નવીનતમ માહિતી અનુસાર ચક્રવાતના કારણે ૬૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.”
સાવચેતીના ભાગરૂપે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ૧ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે સુંદરવન અને સાગર ટાપુઓ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ ૧.૧૦ લાખ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડ્‌યા છે.
બાંગ્લાદેશના દક્ષિણ-પશ્ચિમ તટીય વિસ્તારોમાંથી આઠ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના સાગરદ્વીપ, કાકદ્વીપ અને સુંદરબન વિસ્તારોમાંથી પણ ૧.૧૦ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ચક્રવાતને લઈને બંગાળ-ઓરિસ્સામાં પહેલેથી જ એલર્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચક્રવાતને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરી હતી.

Follow Me:

Related Posts