પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા બે પક્ષો વચ્ચે હિંસા, પૂર્વ મિદનાપુરમાં એક ટીએમસી કાર્યકરની હત્યા
ફરી એક વખત પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા ભાજપ અને ટીએમસી વચ્ચે ઘર્ષણના બે અલગ-અલગ કિસ્સા બન્યા હતા, પૂર્વ મિદનાપુરમાં એક ટીએમસી કાર્યકરની હત્યા કરી દેવામાં આવી અને અન્ય એક ટીએમસી કાર્યકર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષાદલની છે જ્યારે બીજી ઘટના પણ પૂર્વ મિદનાપુરની છે. શુક્રવારે રાત્રે અહીંના બક્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ.
પશ્ચિમ બંગાળમાં મતદાનની એક રાત પહેલા એટલે કે શુક્રવારની રાત્રે ૨૪ મે ૨૦૨૪ની રાતે પૂર્વ મિદનાપુર જિલ્લાના મહિષાદલમાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની હત્યા કરી દેવામાં આવી. એવો આરોપ છે કે ભાજપના કાર્યકર્તાઓએ તેમની હત્યા કરી છે. મૃતક નેતાની ઓળખ શેખ મૈબુલ તરીકે થઈ છે. તેઓ ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય હતા. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે મૈબુલ શુક્રવારે રાત્રે લગભગ ૧૧ વાગે પાર્ટી કાર્યકરને ઉતાર્યા બાદ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો.
આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને ઘણા વાર કર્યા. તેમનું મોત થઈ ગયા પછી આરોપીઓએ તેમની લાશ તળાવમાં ફેંકી દીધી. જ્યારે કેટલાક લોકોને આ વાતની જાણ થઈ તો તેઓએ લાશને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ મૈબુલને મૃત જાહેર કર્યો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે મહિષાદલ પોલીસે ભાજપના ૫ કાર્યકરોની ધરપકડ કરી લીધી છે.
શુક્રવારે રાત્રે પૂર્વ મિદનાપુરના બક્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ, જેમાં અનંત બિજલી નામનો તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો છે. તૃણમૂલનો આરોપ છે કે પીડિતને લોખંડના સળિયા અને ડંડાથી માર મારવામાં આવ્યો છે. તેને લોહી નીકળતી હાલતમાં મૈના આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો, ત્યાંથી તેને તામલુક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકની હાલત નાજુક છે, ૨૫મી મેના રોજ છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની ૭, ઉત્તર પ્રદેશની ૧૪, બિહારની ૮, પશ્ચિમ બંગાળની ૮, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, ઓડિશાની ૬ અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. તમામ સ્થળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે બંગાળની આ બે ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
Recent Comments