રાષ્ટ્રીય

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને લાહોર હાઈકોર્ટમાંથી મળ્યા જામીન, જાણો સમગ્ર મામલો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ના પ્રમુખ ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ચૂંટણી પંચની બહાર વિરોધ પ્રદર્શન સંબંધિત એક કેસમાં સોમવારે લાહોર હાઈકોર્ટમાંથી જામીન અરજી મળી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, કોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ન્યાયમૂર્તિ અલી બકર નજફીની અધ્યક્ષતાવાળી એલએચસીની બે સભ્યોની બેન્ચે પીટીઆઈ અધ્યક્ષને ૩ માર્ચ સુધી રક્ષણાત્મક જામીન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઈમરાન ખાનને પ્રતિબંધિત ફંડિંગ કેસમાં પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ પછી તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકરો દ્વારા હિંસક વિરોધ કરવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, ઈમરાન ખાન સોમવારે કોર્ટમાં હાજર થયા હતા.

તેમણે કોર્ટને જણાવ્યુ હતુ કે, તે ગયા અઠવાડિયે કોર્ટમાં હાજર થવા માંગતા હતા, પરંતુ ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. કારણ કે તેમના પગના ઘાને સાજા થવામાં હજુ બે અઠવાડિયાનો સમય લાગશે. તેમણે કહ્યું કે, તેમણે હંમેશા કોર્ટનું સન્માન કર્યું છે. ઈમરાન ખાને કહ્યુ કે, તેમની પાર્ટીના નામમાં પણ ‘ન્યાય’ સામેલ છે. લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, જસ્ટિસ તારિક સલીમ શેખે સોમવારે ઈમરાન ખાનને તેમની જામીન અરજીની સુનાવણી માટે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ખાનને સાંજે ૫ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, પરંતુ બાદમાં આ સમય વધારી દેવામાં આવ્યો હતો.

જાે કે, ઇમરાન ખાનનો કાફલો કોર્ટ તરફ આગળ વધતાંની સાથે જ તેમના સમર્થકો પણ કોર્ટ રૂમની બહાર એકઠા થઈ ગયા હતા અને તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ પછી કોર્ટના ગેટ પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. આ કારણે ખાન એલએચસી પરિસરમાં પહોંચવા છતાં કોર્ટમાં હાજર થઈ શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, આતંકવાદ વિરોધી અદાલતે તાજેતરમાં પાકિસ્તાનના ચૂંટણી પંચની બહાર હિંસક દેખાવોથી સંબંધિત ઈમરાન ખાનની વચગાળાની જામીન લંબાવવાની વિનંતીને ફગાવી દીધી હતી.

Related Posts