fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માતઃ ૩૦ના મોત

પાકિસ્તાનમાં સોમવારે સવારના સમયે એક ભારે મોટી રેલવે દુર્ઘટના ઘટી છે. સિંધના ડહારકી વિસ્તારમાં ૨ ટ્રેન સામસામે અથડાવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં ૩૦થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને ૫૦ કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી છે.

મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે થયેલી આ અથડામણમાં મૃતકઆંક હજુ પણ ઉંચો જાય તેવી શક્યતા છે કારણ કે અનેક લોકો હજુ પણ બોગીઓમાં ફસાયેલા છે. જાણવા મળ્યા મુજબ મિલ્લત એક્સપ્રેસની બોગીઓ ઘોટકી પાસે અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર પડી હતી અને સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ સાથે તેની અથડામણ થઈ હતી. આ કારણે મિલ્લત એક્સપ્રેસની ૮ અને સર સૈયદ એક્સપ્રેસની એન્જિન સહિત ૪ બોગીઓ ટ્રેક પરથી ઉતરી ગઈ હતી.

વહેલી સવારે ૩ઃ૪૫ કલાકે આ દુર્ઘટના બની હતી જ્યારે મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. દુર્ઘટનાના ૪ કલાક બાદ પણ કોઈ અધિકારી ઘટના સ્થળે નહોતા પહોંચ્યા અને હેવી મશીનરી પણ નહોતી પહોંચાડાઈ. ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ટ્રેન કાપવી પડશે પરંતુ અકસ્માતના અનેક કલાકો બાદ પણ મોટા મશીનો ત્યાં નહોતા પહોંચ્યા. જ્યારે ઘાયલોને ટ્રેક્ટર ટ્રોલી દ્વારા લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાના કારણે અનેક ટ્રેનના પરિવહનને અસર પહોંચી હતી.

આ પહેલાં માર્ચ મહિનામાં પણ કરાચી એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના ઘટી હતી. ટ્રેન લાહોરથી નીકળી હતી અને સુક્કુર પાસે એના ૮ કોચ ટ્રેક પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હતું અને ૪૦ મુસાફરો ઘાયલ થયા હતા.

Follow Me:

Related Posts