પાકિસ્તાનમાં ૧૦ વર્ષની માસૂમ હિન્દુ બાળકીના ૮૦ વર્ષના શખ્સ સાથે લગ્ન

પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓની સુરક્ષા સતત ચિંતાનો વિષય છે. ખાસ કરીને સિંધ પ્રાંતમાં ઘણી પરિણીત મહિલાઓ અને છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે વધુ એક ઘટનામાં ગત ૨૨ ઓક્ટોબરે ૧૦ વર્ષની હિંદુ બાળકીનું અપહરણ કરીને ૮૦ વર્ષના મુસ્લિમ શખ્સ સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જમીનદાર મુલ્લા રશીદના સાગરીતોએ ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેને ઇસ્લામ કબૂલ કરવા દબાણ કર્યું હતું. ત્યારબાદ તેણીના લગ્ન ૮૦ વર્ષના વિધુર મુલ્લા રશીદ સાથે થયા હતા. સિંધમાં જ અન્ય એક ઘટનામાં પરિણીત હિંદુ મહિલા શાંતિ મેઘવારનું ચાર હથિયારધારી શખ્સોએ અપહરણ કર્યું હતું. મહિલાનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું અને મંજૂર શેખ નામના શખ્સ સાથે લગ્ન કરાવાયા હતા. મહિલાની માતાનો આરોપ છે કે એસએચઓ ઈરફાન દસ્તિકોલે એફઆઈઆર પણ નોંધી નહોતી ૫,૦૦૦ રૂપિયાની લાંચ ન આપવાના કારણે તેણે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો. જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવીને સ્થાનિક મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા ત્યારે દરગાહમાં સશસ્ત્ર લોકોએ પ્રવેશ કરી તેની ખુશી મનાવવા હવામાં ગોળીબાર કર્યો હતો.
સિંધના શિકારપુર જિલ્લામાં પૂર પીડિત નવ વર્ષની બાળકી પર અજાણ્યા લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. મંગળવારે કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં બે શખ્સોએ યુવતીને બળજબરીથી કારમાં બેસાડી હતી અને બળાત્કાર કર્યા બાદ તેને હઝરત અબ્દુલ્લા શાહ ગાઝીની દરગાહ પાસે ફેંકી દીધી હતી. બુધવારે બનેલી ઘટનાની નોંધ લેતા સિંધ હાઈકોર્ટે ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલને ૨૭ ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દૂ યુવતીઓ અને મહિલાઓ બળાત્કાર અને ધર્માંતરણનો સૌથી વધુ શિકાર બને છે અપહરણ કરીને લગ્ન કરાવવાના કિસ્સા વધી રહ્યા છે.
જબરજસ્તી ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવીને લગ્ન કરી દેવામાં આવે છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે, આવા ડઝનેક મામલામાં હિંદુ સ્ત્રીઓનું અપહરણ કરીને તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ કેસો મોટાભાગે સિંધ પ્રાતના છે જ્યાં મહત્તમ સંખ્યામાં હિંદુઓ રહે છે. પાકિસ્તાનનો લઘુમતી સમુદાય લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનના મુદ્દાનો સામનો કરી રહ્યો છે. પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ અનુસાર, ૨૦૧૩ અને ૨૦૧૯ વચ્ચે બળજબરીથી ધર્માંતરણની ૧૫૬ ઘટનાઓ બની હતી.
Recent Comments