પાકિસ્તાને પોતાના દેશની સ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે : તાલિબાન સરકાર
પાકિસ્તાન એરફોર્સે અફઘાનિસ્તાનમાં મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન એરફોર્સે તહરીક-એ-તાલિબાનને નિશાન બનાવીને ઉત્તર અને દક્ષિણ વઝીરિસ્તાન પાસેના બે અલગ-અલગ વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા. અફઘાન મીડિયા અનુસાર, આ હુમલા પક્તિકા પ્રાંતના લામાન અને ખોસ્ત પ્રાંતના પાસા મેળામાં કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, પક્તિકા પ્રાંતમાં ટીટીપી સાથે સંકળાયેલા અબ્દુલ્લા શાહના ઘરને નિશાન બનાવવામાં આવ્યું છે. અબ્દુલ્લા શાહ ટીટીપી કમાન્ડર છે, ટીટીપીના સૂત્રોએ પણ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ હુમલામાં અબ્દુલ્લા શાહનું ઘર કાટમાળમાં આવી ગયું છે. તાલિબાન સરકારે પાકિસ્તાનની અફઘાન સરહદમાં ઘૂસીને કરવામાં આવેલા આ હુમલાની સખત નિંદા કરી છે.
પાકિસ્તાનના આ પગલાની નિંદા કરતા તાલિબાને આ હુમલાને અફઘાનિસ્તાનની સંપ્રભુતા વિરુદ્ધ ગણાવ્યો છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં કહ્યું, “પાકિસ્તાની વિમાનોએ અફઘાનિસ્તાનની સરહદ પર નાગરિકોના ઘરો પર બોમ્બમારો કર્યો છે. જેમાં પક્તિકા પ્રાંતમાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો સહિત છ લોકો અને ખોસ્તમાં બે મહિલાઓના મોત થયા હોવાના અહેવાલ છે. તાલિબાને અફઘાન સરહદની અંદર થયેલા હવાઈ હુમલા પર પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે અમને વિશ્વની મહાસત્તાઓથી અમારી આઝાદી માટે લડવાનો લાંબો અનુભવ છે, અમે કોઈને પણ અમારા વિસ્તારમાં હુમલો કરવાની મંજૂરી આપતા નથી. નિવેદનમાં આગળ લખવામાં આવ્યું છે કે પાકિસ્તાને પોતાના દેશની સ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે, પાક સેના દ્વારા લેવામાં આવેલા આવા પગલાના ખોટા પરિણામ આવી શકે છે. ૨૦૨૧ માં તાલિબાન સરકારે સત્તા સંભાળી ત્યારથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ વધ્યો છે, ઇસ્લામાબાદ દાવો કરે છે કે આતંકવાદી જૂથ પાડોશી દેશમાંથી નિયમિત હુમલાઓ કરી રહ્યું છે. જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ સરહદ પાર કરીને ઓપરેશન હાથ ધરવું પડ્યું છે.
Recent Comments