સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના અખિયાણા ગામ નજીક મજૂરો ભરીને ખેતરે જઈ રહેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર આખેઆખી ટ્રક ચડી જતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે ટ્રેક્ટરમાં સવાર ૧૫ જેટલા મજૂરો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. એક મજૂર અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતાં મજૂરોની ચિચિયારીથી હાઇવે ગુંજી ઊઠ્યો હતો.
પાટડી તાલુકાના માલવણ હાઇવે પર અખિયાણા ગામ નજીક મજૂરો ટ્રેકટર લઈને મજૂરીકામ અર્થે ખેતરે જઈ રહ્યા હતા, એ સમયે સામેથી માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રકનો ટ્રેકટર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, ૧૫થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા.
ટ્રક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતને પગલે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે રક્તરંજિત બન્યો હતો. પાટડીના માલવણ હાઇવે પર અખિયાણા ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પીએસઆઇ ડી.જે. ઝાલા અને ગોવિંદભાઇ ભરવાડ સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સહિતનો કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક પુનઃકાર્યરત કરવામાં આવ્યો હતો.
Recent Comments