પાટણમાં છેલ્લા ૫ વર્ષની સરખામણીએ આ વર્ષે ગાજરનો સૌથી નીચો ભાવ મળ્યો
પાટણ તાલુકામાં ગાજરની ખેતી રૂની, ધારપુર, અનાવાડા સહિતના ગામમાં થાય છે. ત્યારે છેલ્લા ૫ વર્ષમાં ગાજરના મણનો ભાવ રૂ.૪૦૦થી ૬૦૦ રહ્યો છે પરંતુ ચાલુ વર્ષે ગાજરનો ભાવ ઘટીને મણના રૂ.૧૬૦થી ૨૨૫ થયો છે. જેથી ખેડૂતોમાં નિરાશા જાેવા મળી રહી છે. પાટણ તાલુકાના રૂની ગામના હિતેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે તેઓએ ૧૦ વીઘામાં ગાજરનું વાવેતર કર્યું છે પણ નવેમ્બરથી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ગાજરના ભાવ વધારે મળવા જાેઈએ તેની જગ્યાએ હાલ માત્ર ૨૦૦થી ૨૨૫ સુધી મણના ભાવ મળે છે સામે ઉત્પાદનમાં પણ વીઘે ૧૭૦ મણ આજુબાજુ ઉત્પાદન મળી રહ્યું છે, કારણ કે ઠંડી મોડી શરૂ થઈ હતી. જેથી ઉત્પાદન ઘટ્યું છે. પાટણમાં દેશી ગાજરની વર્ષો જૂની જાત છે તે રંગમાં એકદમ લાલ, લાંબી અને સારી કદમાં હોય છે. પહેલા પાટણના આજુબાજુના ગામોમાં ૧૭૦૦ હેક્ટરમાં ગાજરનું વાવેતર થતું હતું.
જે હાલ ઘટીને અત્યારે ૫૦૦ હેક્ટર થઇ ગયું છે ખેડૂતોને પોસાય તેવા ભાવ ન મળવાથી ગાજરનું વાવેતર ઘટ્યું છે. પાટણના ગાજરની નિકાસ મુંબઈ, અમદાવાદ, સુરત, આણદ, નડીયાદ અને વડોદરા શહેરમાં થાય છે. પાટણ માર્કેટમાં ગાજર આવે તે પહેલા રાજસ્થાનના જાેધપુરનું ગાજર માર્કેટ આવી જાય છે તે મુંબઇ પહોંચી જાય છે. તેના કારણે પણ ભાવમાં ઘટાડો રહેતો હોય છે તેમ ખેડૂત રમેશ પટેલે જણાવ્યું હતું તેમજ ખેડૂતે જણાવ્યું કે પુરતા પ્રમાણમાં ભાવ નહી મળે તો આગામી સમયમાં ગાજરનું વાવેતર બંધ કરશું. વેપારી મનોજ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે સારી ગુણવત્તા યુક્ત ગાજર માર્કેટમાં આવતા નથી અને આવક પણ ઓછી છે. જેને લઈ ભાવ મળતા નથી. આમ તો અત્યારે ૩૦૦૦થી ૪૦૦૦ આવતા હતા પરંતુ હાલ ૧૫૦૦થી ૧૭૦૦ કટ્ટા આવી રહ્યા છે. ગત વર્ષે ભાવ સારા હતા.
Recent Comments