પાટીદાર આંદોલનમાં શહીદ યુવાનોના પરિવારને નોકરી અને પડતર કેસો પાછાં ખેંચો: : લાલજી પટેલ
ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપભાઈ નેતાજીએ જણાવ્યું કે, લાલજીભાઈ સાથે બેઠકમાં પાટીદાર સમાજની ચિંતા અને પ્રશ્નો અંગે હોદેદારો સાથે વાતચીત કરી હતી. ઉમિયા માતાજી સંસ્થાન પાટીદાર સમાજ માટે કામ કરતા તમામ સંગઠનો અને શ્રેષ્ઠીઓને હંમેશા સહયોગ આપતું રહ્યું છે.પાટીદાર અનામત આંદોલનને ૬ વર્ષ પૂર્ણ થતાં બુધવારે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ઊંઝા ઉમિયાધામ ખાતે સંસ્થાનના હોદેદારો સાથે બેઠક કરી પાટીદાર અનામત આંદોલનમાં શહીદ પરિવારના સભ્યોને સરકારી નોકરી મળે અને પડતર આંદોલનના કેસો પાછા ખેંચાય તેમજ ૨૬ ઓગસ્ટ પાટીદાર શહીદ દિવસને સમગ્ર વિશ્વમાં પાટીદાર સમાજ એકસાથે રાત્રે ઘરે કે મહોલ્લા, સોસાયટીમાં દીવો પ્રગટાવી શ્રદ્ધાંજલી પાઠવવાના ઉદ્દેશ અંગે ઊંઝા સંસ્થાનનું સમર્થન માગ્યું હતું. બેઠકમાં સંસ્થાનના પ્રમુખ મણિભાઈ મમ્મી, મંત્રી દિલીપભાઇ નેતાજી સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠક અંગે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, આજે ૨૫ ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસ છે. વિશ્વના લાખો લોકો જીએમડીસી ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા તે વખતે નક્કી કર્યું હતું કે અનામતથી લઈ પાટીદાર સમાજના તમામ પ્રશ્નો સરકાર પૂરા કરે. પણ સમાજના પ્રશ્નો હજી બાકી છે. ૨૬ ઓગસ્ટે ૧૪ પાટીદાર યુવાન શહીદ થયા હતા. જેથી પાટીદારો તેમના ઘરે દીવો પ્રગટાવે તેવી અપીલ ઉમિયાધામ અને ખોડલધામ પણ સમાજના લોકોને કરે. આજે પાટીદાર અનામત આંદોલન વખતના પડતર પ્રશ્નો અંગે ઉમિયાધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી છે. તેમણે કારોબારીમાં ચર્ચા કરી સાથ અને સહકાર આપશે તેમ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, જે રાજકીય પક્ષ પાટીદાર સમાજના પ્રશ્નોના ઉકેલ માટે સાથ આપશે, અમે એમની સાથે રહીશું.
Recent Comments