પાણીના સંદર્ભે ગુજરાતમાં ઉદ્યોગ અને ખેતીનો સમન્વય આવશ્યક – જળપુરુષ રાજેન્દ્રસિંહ
ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયો વાર્તાલાપ
ઉદ્યોગ સાથે પાણી અને પ્રકૃતિના વિષય સાથે જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહ દ્વારા ઉદ્યોગકાર કાર્યકર્તાઓ સાથે મનનીય ઉદબોધન વાર્તાલાપ દરમિયાન ગુજરાતમાં ખેતીના વિકાસ સાથે ઉદ્યોગના સમન્વય પર ભાર મુકાયો.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘પાણી, પ્રકૃતિ અને ઉદ્યોગ’ વિષય પર જાણિતા પર્યાવરણ કાર્યકર્તા મેગ્સેસે સન્માનિત જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહ દ્વારા વાર્તાલાપ યોજાયો.
ભાવનગરના મીઠા ઉદ્યોગના સંદર્ભે આ ઉદ્યોગ પર્યાવરણ માટે હાનિકારક ન હોવાનું જણાવી આ વિસ્તારને બધી રીતે પાણીદાર બનાવવા પાણીના તળને સમજવા પર ભાર મૂકી શ્રી રાજેન્દ્રસિંહે ઉદ્યોગકારો અને વેપારીઓ એટલે મહાજન તથા શ્રેષ્ઠી છે, જેઓએ પોતાના લાભ સાથે સમાજનું શુભ પણ જોવું પડે છે, આમ ઉદ્યોગકારોને ઉજ્જવળ ભવિષ્ય માટે લાભની પહેલા શુભનો વિચાર કરવો પડશે.
શ્રી રાજેન્દ્રસિંહે રાજસ્થાનમાં પોતાના તબીબી વ્યવસાયને તરછોડી ધરતીની તબિયત સુધારવા આદરેલી ઝુંબેશનો ઉલ્લેખ કર્યો. તેઓએ વરસાદ અને ભૂગોળનું વિજ્ઞાન અઘરું ન હોવાનું જણાવી તેમાં સહજ સમજદારી હોય તો સહેલું છે, તેમ ઉમેર્યું. આપણી શોષણ વૃત્તિથી પર્વતો, જમીન તેમજ નદીઓની તોડફોડથી થયેલી ભયંકર હાનિની ચિંતા સામે ગંભીર બનવા પણ ચેતવ્યા.
ચેમ્બરના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોની સાથે માનદમંત્રી શ્રી પ્રકાશભાઈ ગોરસિયાએ જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહને આવકાર્યા હતા.
આ વાર્તાલાપમાં સંસ્થાના હોદ્દેદારો, ઉદ્યોગકારો, વેપારીઓ અને અગ્રણીઓ સામેલ થયા હતા. સંકલનમાં શ્રી મૂકેશ પંડિત રહ્યા હતા.
Recent Comments