પાલનપુર તાલુકાના ગઢ ગામે જ્વેલર્સની દુકાનમાંથી બે અજાણ્યા ઈસમોએ દુકાન માલિકની નજર ચૂકવી ૫૪ ગ્રામ સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે. ૨.૭૫ લાખના દાગીના લઈ તસ્કરો ફરાર થઈ જતા વેપારીએ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ચોરીની ઘટનાના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેથી પોલીસે સીસીટીવના ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે. ગઢમાં પાયલ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા મોતીભાઈ રમણભાઈ સોની પોતાની દુકાનથી ૧૮ જૂનના તેમના માતા બીમાર હોય ઘરે ગયા હતા અને દુકાન ઉપર તેમના પિતા બેઠેલા હતા તે સમયે બે અજાણ્યા ઇસમો આવી જ્વેલર્સની દુકાનમાં બેઠેલા રમણભાઈ પાસે કાનની કડીઓ માંગતા કાનની કડીઓ આપી હતી.
ત્યારબાદ તે બંને જણા દુકાન પરથી જતા રહ્યા હતા. થોડીવાર પછી તેઓ ફરીથી પાછા દુકાન ઉપર આવેલા અને સોનાની ચૂડીની માંગણી કરતા વેપારી રમણભાઈએ તેમને દાગીનાનો ડબ્બો ટેબલ પર મૂકી તેમાંથી સોનાની ચુડી બતાવી હતી. ત્યારે ઈસમ આ ચુડી તથા બીજા દાગીનાને જાેતો અને પાછા મુકતો તેમ વારંવાર કરતો હતો. આ દરમિયાન વેપારીની નજર ચૂકવી દાગીનાની ઉઠાંતરી કરી બંને જણા જતા રહ્યા હતા. વેપારી તેમજ આજુબાજુના લોકોએ ગઢ શહેરની આજુબાજુ તપાસ કરતા એ ઈસમો મળ્યા નહીં, જેથી ચોરીમાં ગયેલા સોનાના દાગીનાની ખાતરી કરવા જ્વેલર્સના માલિકે તમામ સોના- ચાંદીના દાગીનાના બિલો શોધી અને કેટલાની ચોરી થઈ તેની તપાસ કરી હતી.
જેમાં બે અજાણ્યા ઇસમોએ સોનાની બુટ્ટી નંગ ૨ જે ૭ ગ્રામની કિંમત રૂપિયા ૩૫ હજાર, ચેન નંગ ૧ જે ૧૧ ગ્રામ કિંમત ૫૬ હજાર, સોનાની વીંટી નંગ ૫ જે ૧૭ ગ્રામ કિંમત ૮૪ હજાર ૬૨૭ રૂપિયા તેમજ કાનની શેર નંગ ૧૦ જે ૨૦ ગ્રામ જેની કિંમત ૧ લાખ મળી કુલ કિંમત ૨ લાખ ૭૫ હજાર ૬૨૭ રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. વેપારીઓએ દુકાનમાં લાગેલા સીસીટીવી ચેક કરતા દુકાનમાં બે અજાણ્યા ઇસમો દુકાનના ડબ્બામાં પોતાનો હાથ નાખી ચોરી કરતા દેખાઈ રહ્યા હતા. દુકાનમાં થયેલી ચોરી અંગે વેપારીએ ગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.


















Recent Comments