પાલનપુરમાં ગાડી લે વેચ નો વ્યવસાય કરતા વેપારીએ અમદાવાદના દલાલ પાસેથી રૂપિયા ૭.૪૦ લાખમાં કાર ખરીદી હતી. જાેકે, દલાલ અને કાર માલિક મહિલાએ નાણાં પડાવી લઇ ગાડીના કાગળો આપ્યા ન હતા. અને ગાડી ચોરીના ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી. આ અંગે વેપારીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના એસબીપુરા ગામે રહેતા મહેન્દ્રકુમાર હજુરજી સોલંકી પાલનપુર અમદાવાદ હાઈવે નજીક ભાગીદારીમાં ઓટો કન્સલ્ટ તરીકે વાહનો લે વેચ નો વ્યવસાય કરે છે.
જેમણે ૫ જુલાઈ ૨૦૨૧ના રોજ અમદાવાદના દલાલ ચેતનભાઇ છોટાલાલ વસંત પાસેથી રૂપિયા ૭.૪૦ લાખમાં કારનો સોદો કર્યો હતો. જે કારનું ટાઇટલ ક્લિયરન્સ કરવા માટે મૂળ માલિક સુરતના ચેતનાબેન મનીષભાઈ ચૌહાણના ખાતામાં રૂ.૫,૦૦,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા અને બાકીના ૨.૪૦ લાખ રૂપિયા ચેતનભાઇને રૂબરૂ આપ્યા હતા. અને કાર પાલનપુર લઈ આવ્યા હતા. જાેકે, તે પછી બંને જણા ગાડી મહેન્દ્રકુમારના નામે ન કરાવી તેના કાગળો પણ આપતા ન હતા. વારંવાર ઉઘરાણી કરતાં ગાડી ચોરીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતાં મહેન્દ્રકુમારે બંને સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments