fbpx
ભાવનગર

પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ, આયુર્વેદિક કેમ્પ અને સાયકલ ડ્રાયવિંગ સ્કૂલનો ત્રિવેણી સંગમ

રાજ્યભરમાં ચાલી રહેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની સાથે-સાથે આયુર્વેદિક દવા માટે કેમ્પ અને બાળકો માટે સાયકલ ડ્રાયવિંગ સ્કૂલની શરૂઆત સાથે પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળા ખાતે આજે ત્રિવેણી સંગમ રચાયો હતો.

શાળાએ જવાં માટે શહેરોમાં તો બાળકો માટે મોપેડ અને ઇલેક્ટ્રીક સાધનો આવી ગયાં છે પરંતુ  ગામડામાં આજે પણ શાળાએ ઝડપથી પહોંચવાં માટે સાયકલ હાથવગું વાહન છે. આથી જ રાજ્ય સરકારે ગ્રામ્યસ્તરે અભ્યાસ કરતી દીકરીઓ શાળાએ ઝડપથી પહોંચી શકે કે બાજુના ગામમાં આવેલી શાળાએ પહોંચી શકે તે માટે સરસ્વતી સાધના યોજના દ્વારા દીકરીઓને સાયકલો આપી છે.

પરંતુ સરકારના આ અભિયાનને એક ડગલું આગળ લઇ જતાં ઝવેરચંદ મેઘાણી શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડા દ્વારા ગામના આગેવાનો અને દાતાશ્રી અમાનત બાપુ અને શેત્રુંજય યુવક મંડળ, પાલીતાણાના સહયોગથી શાળામાં સાયકલ ડ્રાયવિંગ સ્કૂલની શરૂઆત કરી છે.

આ સાયકલ સ્કૂલથી શાળામાં અભ્યાસ કરતી દિકરીઓ સાયકલ ચલાવતાં તો શીખશે જ પરંતુ તેમને સાયકલ ચલાવતાં જોઇને અન્ય દિકરીઓ પણ તે માટેની પ્રેરણા મેળવશે.

આજે સવારે તેની શરૂઆત કરવામાં આવતાં શાળામાં ધોરણ-૨ માં અભ્યાસ કરતી આયત અસ્લમખાન નામની દિકરી શાળાના વર્ગખંડમાં સાયકલ ચલાવીને સાયકલની ટીન-ટીન ટોકરી વગાડતાં ગઇ ત્યારે જાણે બાળપણમાં આપણે સૌએ સાંભળેલી, ગાયેલી અને અનુભવેલી ‘’સાયકલ મારી સનનન.. જાય… ટીન-ટીન ટોકરી વગાડતી જાય….’’ ની યાદો ફરીથી જાણે તાજી થઇ ગઇ હતી.

આ માટે શાળામાં નવી જ ચાર સાયકલ વસાવવામાં આવી છે. આ સાયકલ કોને મળશે તે માટેના જે નિયમો બનાવવામાં આવ્યાં છે તે પણ અદભૂત છે. આ માટે જે બાળકો આખો મહિનો શાળાએ આવે અને અભ્યાસ કરે અને રવિવારે પણ સાયકલ ચલાવે તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

આનાથી બાળકોની શાળામાં હાજરી વધશે અને ગુણવત્તામાં પણ વધારો થશે, શારિરીક ચુસ્તતા વધશે અને ભવિષ્યમાં ઇકો ફ્રેન્ડલી એવી સાયકલથી પર્યાવરણનું પણ જતન થશે એવાં ત્રિવિધ લક્ષ્યો હાંસલ કરી શકાશે તેમ શ્રી નાથાભાઇ ચાવડા માને છે.

આવાં પ્રયોગ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપનાર કદાચ રાજ્યની પ્રથમ સરકારી પ્રાથમિક શાળા શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા બની છે. આવાં નવતર પ્રયોગથી શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ તે ચલાવવાં માટે અભ્યાસ કરવાં પ્રેરાશે.

શ્રી નાથાભાઇ ચાવડા આવાં બાળ કેળવણીના નાવિન્યપૂર્ણ પ્રયોગો કરવાં માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ સન્માનોથી સન્માનિત પણ થઇ શક્યાં છે.

આ અવસરે બાળકોને શાળામાં નામાંકન કરાવવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા બાળકોને સ્કૂલ બેગ સહિત સન્માન અને બાળકો તથા ગામ લોકોને આરોગ્ય ખાસ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણી શાળાના બાળકો હવે શારીરિક સાથે માનસિક વિકાસ સાધશે.. અને તેમની અભ્યાસ સાથેની સવારી… સાયકલ મારી સરરર જાય…. ટીન ટીન ટોકરી વગાડતી જશે તેમાં કોઇ શંકા નથી

Follow Me:

Related Posts