પાલિતાણાની સંસ્થાઓનો જન હિતાર્થ એક સાદ ‘પ્રાકૃતિક ખેત પેદાશ આરોગીએ, આરોગ્ય જાળવીએ
ભાવનગર જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં રાજ્ય અને દેશ માટે પ્રેરણા રૂપ કાર્ય કરી રહેલ છે. ગત આસો નવરાત્રિમાં જિલ્લાના 550 થી વધુ ગામોને આવરી લેતી કૃષિ ઋષિ સંત યાત્રાથી ખેડૂતોમાં અનેરી જાગૃતિ આવી છે. ગૌ આધારિત ખેતી કરવાનાં સંકલ્પ સેંકડો ખેડૂતોએ લીધા છે. શહેરી વિસ્તારમાં લોકો રાસાયણિક ખેતીના ભયંકર દુષ્પરિણામ જાણે તથા પ્રાકૃતિક ખેત પેદાશ ઉત્પાદક અને વપરાશકાર વચ્ચે ખુટતી કડી જોડાય તેવા ઉદ્દેશ થી તા. 14 ડિસેમ્બરે સંસ્થા સેતુ અંતર્ગત પાલિતાણાની સામાજિક સેવાકીય શેક્ષણિક સંસ્થાઓના સંચાલકોની બેઠક કન્યાવિદ્યાલય ખાતે યોજવામાં આવેલ. નરેન્દ્ર ત્રિવેદી એ સંસ્થા સેતુ ના હેતુ અને કાર્ય પધ્ધતિ વિશે જણાવ્યા બાદ કૃષિ ઋષિ સંત યાત્રા ના પ્રણેતા રોહિત ગોટી એ આરોગ્ય ભૂમિ સુધારણા જળ સંચય અને પર્યાવરણ શુધ્ધતા તથા હિંસા આતંકવાદ મુક્ત વિશ્વ માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી પાયાનો આધાર હોવાનું સદ્રષ્ટાંત જણાવ્યુ. આ પદ્ધતિ એ કૃષિ કરનાર ઋષિ સમાન જીવન જીવે છે માટે વંદનીય છે તેવું પણ કહ્યું.
અજીતસિંહ ગોહિલ એ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરની અતિ ઘાતક અસરો અંગે આધારો આપી પોતાના ખોરાક પાણી બાબત સૌને ગંભીરતાથી વિચારતાં કરી દીધાં. વનરાજસિંહ ગોહિલ એ પ્રાકૃતિક ખેત પેદાશથી આરોગ્ય સુધારણાના અનુભવ કહેવા સાથે સત્વશીલ અનાજ ફળ શાકભાજી મસાલા ધી તેલ ઉત્પાદક ખેડૂત અને સાત્વિક આહારના અભિલાષી નાગરિક વચ્ચે સેતુ સાધવા માટેના વર્તમાન પ્રયત્નમાં સઘનતા લાવવાની મક્કમતા ઉદ્દઘાટીત કરી. ઉપસ્થિત સૌને આ વિષય બહુ ઉપયોગી જણાયો તેથી પોતપોતાના કાર્યક્ષેત્રમાં અને સામૂહિક સ્તરે આ કાર્ય આગળ વધારવામાં સંસ્થા સેતુ સાથે સંકલનમાં રહેવાની ઈચ્છા દર્શાવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજય ચૌહાણ એ કરેલ.
Recent Comments