fbpx
ભાવનગર

પાલીતાણાના બે પર્વતારોહકોએ હિમાચલ પ્રદેશની સ્પીતિ વેલીના એક સાથે બે શિખરો સર કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું

સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન અંતર્ગત દેશના નાગરિકોએ વિવિધ જગ્યાઓ પર ભારતની શાન એવો તિરંગો ફરકાવીને રાષ્ટ્રીય નાના દર્શન કરાવીને રાષ્ટ્રનું માન વધાર્યું હતું. આ કડીમાં આગળ વધતાં ભાવનગરના પાલીતાણાના બે પર્વતારોહકોએ એક સાથે બે શિખરો પર ભારતીય તિરંગો
લહેરાવીને ભારત માતાનું સર વધુ ઉન્નત બનાવ્યું છે. અણદીઠેલી ભોમકા પર પોતાના દસ્તક દીધાં છે. આમ પણ ભારતની યુવા પેઢી દરેક ક્ષેત્રમાં કંઇક અલગ જ કરી બતાવવાનો જુસ્સો ધરાવે છે. તેનું આ ઉદાહરણ છે.

સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા હિમાચલ પ્રદેશના સ્પીતિ વેલીમાં આવેલાં બે શિખર ૬,૧૪૦ મીટરના માઉન્ટ દાવા કુંગ્રી અને ૬,૦૦૦ મીટરના માઉન્ટ લાગભોર્ચેનું તા. ૨૨ જુલાઈ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન આ બંને સાહસિકોએ સફળ આરોહણ કરીને યુવાશક્તિનો ફરીથી એકવાર પરિચય કરાવ્યો છે. પર્વતારોહણ પણ એક સાહસિક પ્રવૃત્તિ છે. તે ક્યારેય સરળ હોતી નથી. જે ખૂબ જ મુશ્કેલ અને હિંમત માગી લે તે પ્રકારની સાહસિક પ્રવૃત્તિ છે. વધુ પડતાં વરસાદ, જમીન ખસી જવી, અતિશય ઠંડી, બરફ વર્ષા, જોર-જોરથી ફુકાતાં ઠંડા પવનો, પાતળી હવા, ઓછો ઓક્સિજન અને ઊંચાઈ જેવી પ્રતિકૂળ કુદરતી વિષમતાઓ વચ્ચે પર્વતારોહણ સર કરવું તે અપનેઆપમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.


તેવાં સમયે પાલીતાણાના બે યુવકો શ્રી જીજ્ઞેશ ગોહિલ અને શ્રી કલ્પેશ ચૌહાણ સહિત ગુજરાતના કુલ ૨૧ યુવાનોએ આ અભિયાનને સફળ બનાવતાં પર્વત પર સફળતાપૂર્વક આરોહણ કરી બતાવ્યું છે. આ અભિયાનનું નેતૃત્વ શ્રી જીગ્નેશ ગોહિલે કર્યું હતું જે પાલિતાણા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ બંન્ને યુવાનોએ બંને પહાડોનું સફળતાપૂર્વક આરોહણ કરી તિરંગો લહેરાવી ગુજરાતનું પર્વતારોહણ ક્ષેત્રે નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, શ્રી કલ્પેશ ચૌહાણ રાષ્ટ્રીય સંસ્થામાંથી તાલીમ લીધી છે તથા રોક ક્લાઇમ્બિંગ ક્ષેત્રે પણ તેઓ નામના ધરાવે છે.


શ્રી ગોહિલે માઉન્ટ હનુમાન ટીબ્બા અભિયાન કરેલ છે. તેમણે માઉન્ટ ત્રિસુલ, બી.સી.બી.-૧૪, માઉન્ટ દેઓટીબ્બા જેવાં અનેક શિખરો સર કરેલ છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. પર્વતારોહણ જેવાં સાહસિક ક્ષેત્રે ગુજરાતી યુવાનોએ ડગ માંડી દીધાં છે. અને ઇતિહાસ ગવાહ છે કે, એક ગુજરાતી જે
ક્ષેત્રમાં પડે છે તેમાં તેની નિપૂણતાથી પોતાનું બનાવીને રહે છે. કામના કરીએ કે, તેઓ દ્વારા જે પથ કંડારવામાં આવ્યો છે તેના પર અનેક ગુજરાતીઓના પગલાં પડે. આજે બે તિરંગા ફરક્યાં છે. આગામી ૧૫ મી ઓગષ્ટે આ પહાડો માં ભારતીના આન, બાન અને શાન સમા તિરંગાઓથી ભરાઇ જાય. અને પર્વત પણ
બોલવાં લાગે કે, ’બંદે મેં હૈ દમ, વંદે માતરમ….’

Follow Me:

Related Posts