પ્લાન ઇન્ડિયા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી, પાલીતાણાના સંયુક્ત ઉપક્રમે હણોલ ગામે ICDS ના પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી શારદાબેન દેસાઈનાં અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.
ICDS ના પ્રોગ્રામ ઓફીસરશ્રી શ્રીમતી શારદાબેન દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ગ્રામ્ય વિસ્તારની બાજરી – જુવાર જેવા ધાન્યો મિલેટ તરીકે વિશ્વભરમાં સ્વીકૃત બન્યા છે અને મા યશોદાના રૂપ સમાન આંગણવાડી બહેનોના અથાગ પ્રયત્નો થકી મિલેટની વિવિધ વાનગીઓ બાળકો ખાતા થયા છે જેનાથી “સુપોષિત ગુજરાત, સુપોષિત ભારત”નું સપનું ધીરે ધીરે સાકાર થશે. “વસુધૈવ કુટુંબકમ” ની ભાવના સાથે ભારત આજે મિલેટ ક્ષેત્રે વિશ્વને રાહ બતાવી રહ્યું છે. જેમાં સરકારશ્રીની સાથે સાથે પ્લાન ઇન્ટરનેશનલ જેવી એન.જી.ઓ. અને આંગણવાડી બહેનોનો સવિશેષ ફાળો રહ્યો છે. પોષણ અભિયાનને આંગણવાડી કાર્યકરોના માધ્યમથી ઘર ઘર સુધી અને દરેક માતા તથા પરિવાર સુધી લઇ જવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ અવસરે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિપક મકવાણાએ પોષણ માસની ઉજવણી અંગે તેમજ પ્લાન ઇન્ડિયા પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) દ્વારા અમલી સેલ્ફ કેયર ફોર ન્યુ મોમ્સ એન્ડ કિડ્સ અંડરના સ્ટેટ મેનેજરશ્રી ડૉ. ચંદ્રદીપ રોયે ગુજરાત રાજ્યનાના ૨૫ જેટલાં ગામોમાં અમલી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી.
કાર્યક્રમમાં મિલેટની વિવિધ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ૪૮ જેટલી બહેનોએ ગ્રામિણ કક્ષાએ ઉપલબ્ધ બાજરી, જુવાર, મકાઈ અને સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ બાલ શક્તિ, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિના મિશ્રણ થકી વિવિધ વાનગીઓ બનાવી હતી. વાનગી સ્પર્ધામાં અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામ આપવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમના પ્રારંભમાં પાલીતાણાના સી.ડી.પી.ઓ. શ્રીમતી અલ્પાબેન મકવાણાએ સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં આંગણવાડી વર્કર અને મુખ્યસેવિકા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર)ના બ્લોક ઓફિસર શ્રીમતી ભાવનાબેન સોલંકીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments