પાસ કરવાની વાત કરી પૈસા લેનાર રાજકોટના બંટી ઔર બબલીની ધરપકડ
રાજકોટ ગાંધીગ્રામ પોલીસે ફરિયાદી આશિષ સિયારામ ભગતની ફરિયાદ પરથી જેનિસ પરસાણા અને ક્રિષ્ના ભરડવા નામના બે આરોપીની અટકાયત કરી છે. પકડાયેલા આરોપી દ્વારા ફરિયાદી સહિત ૧૨ લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીઓ ભોગ બનનાર પાસેથી ૨ લાખથી રૂપિયા ૪ લાખ સુધી માંગ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી મહિલા ક્રિષ્ના ભરડવા દ્વારા પ્રથમ ફરિયાદી આશિષ ભગતનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને ફોસલાવી ૨ લાખ રૂપિયામાં પાસ કરાવી દેવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી. જાે કે, આ બાદ ફરિયાદી દ્વારા આરોપીને ૧ લાખ ૧૦ હજાર આપવામાં આવ્યા હતા.
એ બાદ ફરિયાદી આશિષના અન્ય મિત્રો કે જે સૌરાષ્ટ્ર ભરમાંથી આવી રાજકોટમાં મહેનત કરતા હતા તેમને પણ એક બાદ એકને મળી ૧૨ યુવાનો સાથે છેતરપિંડી કરી અત્યાર સુધી ૧૫ લાખ રૂપિયા પડાવ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સાથે ભોગ બનનાર યુવાનોને ફિઝિકલ કે લેખિત કોઇ પરીક્ષા આપ્યા વગર ભરતીમાં પાસ કરાવી દેવામાં આવશે તેવી જાહેરાત આપવામાં આવતા યુવાનોએ દોડની પણ પરીક્ષા આપી ન હતી અને લાલચમાં ફસાયેલા યુવાનો ભરતીથી વંચિત રહી ગયા છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ બન્ને આરોપીઓ પ્રેમી-પંખીડા હોવાનું અને બન્ને આગામી સમયમાં લગ્ન કરવાના હતા તેવી માહિતી સામે આવી છે. બન્ને વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં મુલાકાત થઇ હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા લગ્ન કરવાના હોવાનું સામે આવ્યું છે.ગુજરાતમાં તાજેતરમાં લેવામાં આવેલી એલઆરડી અને પીએસઆઈની ભરતી પ્રક્રિયામાં રૂપિયા મેળવી પાસ કરાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગાંધીગ્રામ પોલીસે જેનિસ પરસાણા અને ક્રિષ્ના ભરડવા નામના બે આરોપીની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ લાખો રૂપિયા વસૂલી છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભરતી બોર્ડના હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરી રાજકોટ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ ફાઇનલ રિઝલ્ટ આવ્યા પૂર્વે ભારત છોડી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં આરોપી ક્રિષ્ના ભરડવા અગાઉ કેન્યા રહેતી હતી અને કૌભાંડ બાદ ફરી કેન્યા નાસી જવાની હતી. બે દિવસ પૂર્વે ફિઝિકલ ટેસ્ટનું પરિણામ જાહેર થયા બાદ પરિણામમાં પોતાનું નામ ન આવતા પરીક્ષાર્થીઓએ બંને આરોપીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં આરોપીઓએ ભોગ બનનારને આશ્વાશન આપ્યું હતું અને આશ્વાશન આપતા જણાવ્યું હતું કે, ‘ટ્રેનિંગમાં જવા માટે અમે આપને લેટર આપી દઇશું.’
Recent Comments