ગુજરાત

પીજી મેડિકલ-ડેન્ટલની સીટ પર પ્રવેશ માટેના નિયમોમાં ફેરફારોથી ગુજરાતના વિદ્યાર્થીઓમાં અસંતોષ

રાજ્યની પીજી મેડિકલ અને ડેન્ટલની ૨ હજારથી વધુ સીટ પર પ્રવેશ માટેના નિયમોમાં ફેરફારોથી ગુજરાતના વિદ્યાર્થીઓમાં અસંતોષ છે. અન્ય રાજ્યો અને વિદેશોમાં એમબીબીએસ કરનારા વિદ્યાર્થીઓને ગુજરાતમાં પીજી માટે પ્રવેશની છૂટના નિયમથી ગુજરાતમાં એમબીબીએસ કરનારા ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને અન્યાય થશે તેવો વિદ્યાર્થીઓનો દાવો છે. વિદ્યાર્થીઓના મતે, પ્રવેશના નિયમોમાં ફેરફારોથી પીજી મેડિકલમાં ગુજરાતમાંથી એમબીબીએસ થયેલા આશરે ૩ હજાર, જ્યારે હાલ એમબીબીએસનાં વિવિધ વર્ષોમાં અભ્યાસ કરી રહેલા ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીને નુકસાન થશે. હાલ પીજી મેડિકલ, ડેન્ટલ સહિતની બેઠકો માટે ૪૧૦૭ પિનનું વિતરણ કરાયું છે, જ્યારે ૪૦૯૯એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વિદ્યાર્થીઓના મતે, જેમણે ધો. ૧૨ સાયન્સમાં ઓછા ટકા આવતા બહારનાં રાજ્યોની સેલ્ફ ફાઇનાન્સ કોલેજાેમાં એમબીબીએસ કર્યું, તે જ હવે પીજી મેડિકલમાં પ્રવેશ માટે ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજાેમાં લાખોની ફી ભરી એમબીબીએસ થયેલાના હરીફ બનશે. ગુજરાતમાં એમએમબીબીએસ થયેલાને પીજી પ્રવેશ માટે સ્પર્ધા વધશે. ૨૦૧૪ થી ૨૦૨૧ સુધીમાં એમબીબીએસમાં એડમિશન લેનારા વિદ્યાર્થીને આ નિયમની જાણ ન હોવાથી અન્યાય થશે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ક્વોટા અને સ્ટેટ ક્વોટામાં પસંદગીનો વિકલ્પ નહીં અપાય. પહેલાં યુનિ. ક્વોટા ભરાશે, તો આ રિઝર્વ ક્વોટાનો મતલબ નહિ રહે. અત્યાર સુધી છેલ્લા રાઉન્ડ રિઝર્વની સીટો બિન અનામતમાં ફેરવાતી હતી. બીજા-ત્રીજા રાઉન્ડની પ્રક્રિયામાં સીટ રેશિયો જળવાશે નહીં.

ગુજરાત ક્વોટા, અનામત ક્વોટાના વિદ્યાર્થીને અસર થશે. પ્રવેશ મળ્યા બાદ સીટ છોડવી હશે તો વિદ્યાર્થીને ફી પાછી અપાશે, પેનલ્ટી નહીં લાગે. ખાલી સીટ પર એલિજિબિલિટી નિયમને ધ્યાનમાં લીધા વિના અન્ય રાજ્ય કે ગુજરાતના વિદ્યાર્થીને પ્રવેશ મળી શકશે. પીજી મેડિકલમાં પ્રવેશ માટેના નિયમોમાં છેલ્લી ઘડીએ કરેલો ફેરફાર અયોગ્ય અને અન્યાયી છે. ખરેખર આ વિદ્યાર્થીઓએ એમબીબીએસમાં પ્રવેશ લીધો હતો, તે જ સમયે નવા નિયમોમાં ફેરફારની જાહેરાત થવી જાેઈતી હતી.

Related Posts