પીપળેશ્વર મહાદેવના અતિરુદ્ર મહાયજ્ઞમાં ૫૦૦ થી વધુ વિદેશથી શ્રદ્ધાળુઓ પધાર્યા હતા
મહેસાણા જિલ્લાના લાંઘણજ-સાલડી ગામના પૌરાણિક અને ચમત્કારી સ્વયંભૂ પ્રગટ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય અતિરુદ્ર મહાયજ્ઞ તથા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં હર હર મહાદેવના જયઘોષ સાથે મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે સાલડી ગામમાંથી સવારે જળયાત્રા અને દાદાની પાલખી યાત્રા નીકળી હતી. હર હર મહાદેવના જયઘોષ સાથે નીકળેલી યાત્રામાં હજારો શિવભક્તો જાેડાયા હતા.
ડીજેના તાલે ભક્તિ ગીતોના નાદ સાથે નાચતા-કૂદતા શિવભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. લાખો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર તથા તીર્થસ્થાન ગણાતા પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરાયું છે. ભવ્યાતિભવ્ય મહોત્સવના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે શત કુંડીય હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞનો શુભારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા મહાયજ્ઞમાં ૨૪ લાખ ૫૬ હજાર કરતાં વધારે આહુતિ આપવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત શિવાલયમાં રાજસ્થાનના કુશળ કલાકારો દ્વારા વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર નયનરમ્ય અને કલાત્મક કોતરણી કરવામાં આવી છે.
અત્યંત દુર્લભ ગણાતા શતકુંડીય હોમાત્મક અતિરુદ્ર હોમાત્મક મહાયજ્ઞમાં દાતાઓએ પરિવાર સાથે આહુતિ આપી હતી. દિવ્ય અને ભવ્ય પીપળેશ્વર મહાદેવ મંદિર અલૌકિક શક્તિનો સ્તોત્ર છે. જ્યાં પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુઓ દેવાધિદેવ પ્રભુ શિવજીનાં ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. લાંઘણજ અને સાલડીની આજુબાજુનાં ૪૨ ગામોના રહીશોમાં આનંદ-ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. હજારો સ્વયંસેવકો દ્વારા વિવિધ સેવા આપવામાં આવી રહી છે. મોડી રાત્રે ગરબાનું આયોજન કરાયું હતું, સાથે દાંતાઓના સન્માન અને બાકીની ઉછમણીનો કાર્યક્રમ યોજાયો હતો. મહત્ત્વની વાત એ છે કે મહોત્સવમાં ભાગ લેવા માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી ૫૦૦ કરતાં વધારે શ્રદ્ધાળુઓ પધાર્યા છે.
Recent Comments