fbpx
અમરેલી

પુરવઠા, ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના અધિકારીઓએ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારીમંત્રી

જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી જરૂરી સુચનાઓ આપી

અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ સાથેની બેઠકમાં પુરવઠા વિભાગ, નાગરિક પુરવઠા નિગમ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી જરૂરી સુચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશીકભાઈ વેકરીયા અને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનાઓનો લાભ જિલ્લાના દરેક નાગરિક સુધી મળે તે દિશામાં આપણા પ્રયત્નો હોવા જોઈએ. પુરવઠા અધિકારીશ્રીને જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોની સાથે સાથે ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલ ઉપર પણ સમયાંતરે ચેકીંગ કરવા પણ તાકીદ કરી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સી. કે. ઉંધાડએ પુરવઠા વિભાગની કામગીરીની આંકડાકિય વિગતો રજૂ કરી જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત નવીન રેશનકાર્ડ ઈસ્યુ કરવાની તથા આવશ્યક ચીજ-વસ્તુઓના જથ્થાના વિતરણ સહિતની કામગીરી સુચારૂપણે થઈ રહી છે. સાથે જ અમરેલી જિલ્લાની ૫૬૧ જેટલી વ્યાજબી ભાવની દુકાનો, ૨૪ ગેસ એજન્સીઓ અને ૧૩૭ પેટ્રોલપંપ કાર્યરત છે.

ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રીએ વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ, માનવ કલ્યાણ યોજના બાજપાઈ બેંકેબલ યોજના અને ઔદ્યોગિક સહકારી મંડળીની પેકેજ યોજના અંગેની આંકડાકીય માહિતી આપી મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. પ્રભારીમંત્રીશ્રીએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી પાસેથી વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોએ મળે એ દિશામાં કાર્ય કરવા તાકીદ કરી હતી. ત્યારબાદ અમરેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણના અધિકારીશ્રીએ અમરેલી જિલ્લામાં હાલ સુધીમાં કરવામાં આવેલા કુલ કેસો, દરખાસ્તો, રીવ્યુ અરજીઓ તેમજ પેન્ડિંગ અરજીઓ વિષે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.

આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી વાળા, ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીશ્રી, તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts