રાષ્ટ્રીય

પુલવામામાં આતંકીઓએ ઘરમાં ઘૂસી એસપીઓ અને તેમના પત્નિની હત્યા કરી

આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે મોડી રાતે એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને તેમના પરિવાર પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એસપીઓ ફૈયાઝ અને તેમના પત્ની રાતના સમયે જ મૃત્યુ પામ્યા હતા અને ઘાયલ દીકરીએ સોમવારે સવારે દમ તોડ્યો હતો.

મોડી રાતે ૧૧ઃ૦૦ વાગ્યા આસપાસના સમયે કેટલાક આતંકવાદીઓએ એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. આતંકવાદીઓએ તેમના પર, તેમની પત્ની રજા બેગમ અને દીકરી રાફિયા પર આડેધડ ગોળીઓ ચલાવી હતી. ૪૧ વર્ષીય ફૈયાઝ અહમદ, તેમના પત્ની અને દીકરીને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જાેકે એસપીઓ અને તેમના પત્નીએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. તેમની દીકરીને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સોમવારે સવારે તેણે દમ તોડી દીધો હતો.

અવંતીપોરાના એસપીઓ ફૈયાઝ પોતાના પરિવાર સાથે દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા હરિપરિગામ ત્રાલ ખાતે રહેતા હતા. આતંકવાદીઓએ રાતના સમયે તેમના ઘરમાં ઘૂસીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સોમવારે સવારે એસપીઓ અને તેમના પત્નીને હરિપરિગામ ખાતે આવેલા તેમના ગામમાં દફનાવવામાં આવ્યા હતા અને સેંકડો લોકો તેમના જનાજામાં સામેલ થયા હતા.

આતંકવાદીઓના હુમલા બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધખોળ ચાલુ છે.
ગત સપ્તાહે મંગળવારે આતંકવાદીઓએ શ્રીનગરમાં સીઆઇડી ઇન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટના નૌગામ વિસ્તારમાં બની હતી. નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારના કનિપોરામાં આતંકવાદીઓએ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડારને તેમના ઘરની નજીક ત્રણ ગોળી મારી હતી. હુમલાના સમયે પરવેઝ નમાજ અદા કરી ઘરે પરત ફરી રહ્યો હતો.

Related Posts