‘પૂજ્ય દાદા ભગવાનના ૧૧૬મા જન્મજયંતિ મહોત્સવ’નો અમરેલીમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ
‘પરમ પૂજ્ય દાદા ભગવાનના ૧૧૬મા જન્મ જયંતિ મહોત્સવ’નું અમરેલી ત્રિમંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અહીં ઉપસ્થિત રહી મહોત્સવમાં જોડાયા હતા. અમરેલી લીલીયા રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે વિશાળ ડોમમાં આયોજિત સત્સંગ સભામાં પધાર્યા બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંપ્રદાયના પૂજ્ય શ્રી દીપકભાઈએ દીપ પ્રાગટ્ય સાથે સાત દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સાથે સત્સંગ માણ્યો હતો. આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે, “છેવાડાના નાગરિકોનું કલ્યાણ થાય અને તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાય તેની કાળજી રાજ્ય સરકાર રાખે છે.” “હાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રજાજનો માટે ઘણાં સારાં કામો થઈ રહ્યાં છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ રહેલા પ્રજાજનોના કલ્યાણ માટેના કાર્યોનો સૌથી વધુ લાભ ગુજરાત રાજ્યને મળ્યો છે,” તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ મહોત્સવના શુભારંભ પ્રસંગે વ્યસન મુક્તિનો સંદેશ અને પ્રેરણા આપતાં બે પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીએ મહોત્સવમાં આવેલા થીમ પાર્કની મુલાકાત લીધી હતી અને સદ્દગુણોના સિંચનની પ્રેરણા આપતી શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી હિરાભાઈ સોલંકી, રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર, કાર્યકારી જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રાજેશભાઈ કાબરીયા, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તથા મહાનુભાવો પણ જોડાયા હતા.
Recent Comments