ગુજરાત

પૂરના પાણી ઓસર્યા બાદ શક્તિસિંહ ગોહિલ જામનગર પહોંચ્યા લોકો સાથે વાતચીત કરી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો

જામનગરમાં ગયા અઠવાડીયે વરસેલી મેઘકહેરના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જામનગર શહેરમાં વરસેલા ધોધમાર વરસાદ અને રંગમતી નદીમાં આવેલા પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. લોકોએ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. પૂરના પાણી ઓસર્યા બાદ આજે આ વિસ્તારોના લોકોની આપવીતી જાણવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગર પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જામનગરમાં વરસાદી પાણીના નિકાલના સ્થળ પર અને નદીના વહેણ આડે દબાણ કરી દેવાયા હોવાના કારણે પૂરની આ સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો

અને આ મામલે હાઈકોર્ટના સીટીંગ જજ પાસે જ્યુડિશિયલ તપાસ કરાવવાની માગ કરી હતી. જામનગર શહેરમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન ત્રણ-ચાર દિવસમાં જ ૨૦ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સાથે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર અને નદી કાંઠાના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. લોકોની કિંમતી ઘરવખરી અને વાહનોને નુકસાન થયું હતું. જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની સાથે પૂર્વ સાંસદ વિક્રમ માડમ, મનપાના વિપક્ષી નેતા, પૂર્વ વિપક્ષી નેતા સહિત કોંગ્રેસના કોર્પોરેટર અને સંગઠનના હોદેદારો સાથે રહ્યા હતા.

જામનગરમાં અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યંત દયાજનક પરિસ્થિતિ છે. મેં જે વિસ્તારની મુલાકાત લીધી તેમાં નાના એવા ઘરમાં એક માળ સુધી પાણી ઘૂસી ગયું હતું અને લોકો પાસે કશું જ બચ્યું નથી. ૧૯૮૨ માં વાવાઝોડું આવ્યું ત્યારે મોટાભાગના વિસ્તારોમાં આવી સ્થિતિ થઈ હતી. ૧૯૮૨ ના વાવાઝોડા વખતે સરકારે ગુજરાત જમીન વિકાસ નિગમ દ્વારા જેની પણ જમીન ધોવાણી હતી તેને સરકારી સો ટકા નવી કરવા માટે સહાય કરી હતી. જ્યારે લોકોને પણ નાના એવા પશુ તણાયા કે નાનું એવું મકાન તૂટી પડી હતું. તેને તમામ વસ્તુઓની પણ સહાય કરવામાં આવી હતી. આજે જામનગરમાં એક ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે

ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જેનું જનાવર તણાયું તેના માટે કોઈ જાેગવાઈ નહીં. જ્યારે જેનું કપડા મકાન ઘર ગયું અને બધું તણાઈ ગયું તેની ભરવાની કોઈ માહિતી ફોર્મમાં આપવામાં આવી નથી. જ્યારે મહત્તમ ૨,૫૦૦ ની ઘરવખરી ગઈ તેની સહાય માટે અને કપડા અને સહાયની રકમ પણ રૂ. ૨૫૦૦ નક્કી કરવામાં આવી છે. જ્યારે વધુમાં કહ્યું હતું કે ૨૫૦૦ રૂપિયામાં કોઈ પરિવારનો હિત થઈ ખરું અને આ મશ્કરી છે અને ફોર્મ પર કોઈ નંબર નથી આપ્યો અને કોઈપણ કહી શકે કે મેં આ ફોર્મ ભર્યું છે. આક્ષેપ સાથે જણાવ્યું કે, પાણીના નિકાલની જગ્યાએ હપ્તાઓ લઈને પૈસા ખાઈને ગેરકાયેદસર બાંધકામો ઉભા કરાયા છે, મને વડોદરામાં કહ્યું કે, કોમ્પલેક્ષ ઉભુ ના કર્યું હોત જ્યાંથી વિશ્વામિત્રમાંથી પાણી જતું હોય ત્યાં બિલ્ડિંગો ઉભા થયા ન હોત,

તો વડોદરા ડૂબ્યું ન હોત. આવા જે બિલ્ડિંગો ઊભા થઈ ગયા છે, એને તાત્કાલિક તોડી પાડવામાં આવે. આવા બિલ્ડીંગોને મંજૂરી કોણે આપી? તેમજ આ બિલ્ડીંગોની પાછળ કોણ હતા, ટકાવારીને હપ્તા લઈને, પક્ષના ભંડોળમાં પૈસા લઈને ગેરકાયદેસરરીતે નદીના પાણીના નાળાના નિકાલોમાં બિલ્ડિંગો ઉભા કરાવીને શહેરોને ડૂબાડવાનું કામ કર્યું છે, જે વરસાદી પાણીના નિકાલના કામો થવા જાેઈએ એમાં ભષ્ટ્રાચાર થયો છે. પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારને વિનંતી છે કે, આ તમામ બાબતોની તપાસ કરાવો, જેથી ભવીષ્યમાં આવું ન થાય.

Related Posts