પૂર્વીય લદ્દાખમાં ચીને તૈનાતી વધારતા ભારતે રાફેલ તૈનાત કર્યા
દેશમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી રહી છે ત્યારે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે તણાવ વધી રહ્યો છે. ચીને ફરી એક વખત પૂર્વીય લદ્દાખ ખાતે પોતાની તૈનાતી વધારી દીધી છે. આ સાથે જ ચીની વાયુ સેનાએ તાજેતરમાં જ ભારતીય સરહદ પાસે એક વિશાળ યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓ ચોંકી ઉઠી છે.
ટોચના સરકારી સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ચીની વાયુ સેનાના આશરે ૨૦ કરતા પણ વધારે ફાઈટર પ્લેને પૂર્વીય લદ્દાખ ક્ષેત્ર સામે થયેલા યુદ્ધાભ્યાસમાં હિસ્સો લીધો હતો. ગત વર્ષે પૂર્વીય લદ્દાખ ખાતે ચીની સેનાએ જ્યાંથી પોતાના જવાનોને તમામ મદદ પહોંચાડી હતી ત્યાં જ આ યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ ભારતે પોતાની ઉચ્ચ તૈયારીઓ જાળવી રાખવા ઉત્તરી સરહદમાં રાફેલ ફાઈટર પ્લેન સહિત પોતાના ફાઈટર પ્લેન કાફલાને પણ સક્રિય કરી દીધો છે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ભારતની નજર લદ્દાખ સામે ચીની સરહદ પર આવેલા કાશગર, હોતાન, નગારી ગુન્સા, શિગાત્સે, લ્હાસા ગોગંકર, ન્યિંગચી અને ચમડો પંગટા એરબેઝ પર છે.
સરકારી સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે શિનજિયાંગ અને તિબેટ સ્વાયત્ત સૈન્ય ક્ષેત્ર ખાતે આવેલા ૭ ચીની સૈન્ય ઠેકાણાઓ પર નજર રાખવા માટે ઉપગ્રહો અને મોનિટરિંગના અન્ય રૂપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાના ફોરવર્ડ એરબેઝને પશ્ચિમી અને ઉત્તરી મોરચાઓ ખાતે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કરવામાં આવ્યો છે.
ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન પણ એલએસી ખાતે યુદ્ધાભ્યાસ કરતા જાેવા મળ્યા હતા. જાણવા મળ્યા મુજબ ચીની પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સએ તાજેતરમાં જ પોતાના અનેક એરબેઝ અપગ્રેડ કર્યા હતા જેમાં રહેવા માટે કેમ્પ નિર્માણ, રનવેની લંબાઈનો વિસ્તાર તથા વધારાની ફોર્સની તૈનાતીનો સમાવેશ થાય છે.
Recent Comments