પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ બેઠક યોજી, જસદણ-વિંછીયા બેઠક પર ચૂંટણી લડવાના સંકેત
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પૂર્વેથી જ ચર્ચામાં રહેલી રાજકોટ જિલ્લાની જસદણ વિંછીયા વિધાનસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતા પૂર્વે જ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રચાર શરૂ કરી દીધો છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ અને વિંછીયા વિસ્તારના અલગ અલગ આગેવાનો સાથે ઓટલા બેઠક શરૂ કરી દીધી છે. જેમાં તેઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને જીત માટેના સમીકરણોની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. આ જાેતા જસદણ વિંછીયા બેઠક પરથી ભાજપ કુંવરજી બાવળીયાને આ બેઠક પરથી રિપીટ કરી ફરી ચૂંટણી લડાવશે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયા પાછલી ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા.
જાે કે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા આ વખતની ચૂંટણી રસાકસી ભરી જાેવા મળશે. જસદણ વિધાનસભા બેઠક માટે છેલ્લી પેટાચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં છેલ્લા ૪ વર્ષમાં કુલ ૨૪ હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે. જસદણ બેઠક માટે ગત ડિસેમ્બર-૨૦૧૮ માં યોજાયેલી પેટાચૂંટણીમાં ૧,૨૨,૧૮૦ પુરૂષ મતદારો હતા. જેમાં ૧૧,૮૩૨ મતદારોનો વધારો થતાં અત્યારની ચૂંટણી માટે ૧,૩૪,૦૧૨ મતદારો નોંધાયેલા છે.જયારે ૧,૦૯,૯૩૬ સ્ત્રી મતદારો હતા. જેમાં ૧૨,૩૪૧ મતદારોનો વધારો થતા અત્યારે ૧,૨૨,૨૭૭ મતદારો નોંધાયેલા છે. ૨૦૧૮ ની પેટાચૂંટણીમાં સ્ત્રી અને પુરૂષ મળી કુલ ૨,૩૨,૧૧૬ મતદારો નોંધાયેલા હતા.
જ્યારે અત્યારની ડિસેમ્બર-૨૦૨૨ ની સામાન્ય ચૂંટણી માટે કુલ ૨,૫૬,૨૮૯ મતદારો નોંધાયેલા છે. આમ ગત ૨૦૧૮ ની પેટાચૂંટણીની સરખામણીએ છેલ્લા ૪ વર્ષ દરમિયાન કુલ ૨૪,૧૭૩ મતદારોનો ઉમેરો થયો છે. બીજીબાજુ ગત પેટાચૂંટણીમાં કુલ ૨૫૬ મતદાન બુથ હતા. જેમાં આ વખતે ૫ બુથનો વધારો થતાં અત્યારે ચૂંટણીમાં કુલ ૨૬૧ મતદાન મથકો નોંધાયેલા છે. વિંછીયા ગામમાં ૧૦ મતદાન મથકો હતા.જેમાં ૨ મતદાન મથકનો ઉમેરો થતા ૧૨ મતદાન મથકો થયા છે. જ્યારે જસદણ શહેરમાં પહેલા ૩૧ મતદાન મથકો હતા. જેમાં ૨ નવા મતદાન મથકનો ઉમેરો થતાં ૩૩ મતદાન મથકો થયા છે. જ્યારે ભડલીમાં એક મતદાન મથક વધતા ૩ ને બદલે ૪ મતદાન મથકો થયા છે. જસદણ વિધાનસભા બેઠક માટે જસદણ ચૂંટણી તંત્રમાંથી જુદી-જુદી ૧૩ વ્યક્તિઓએ અત્યાર સુધીમાં ફોર્મ ઉપાડ્યા છે.
૭૨ જસદણ વિધાનસભા બેઠક માટે જસદણ ચૂંટણી શાખામાંથી ભાજપના દાવેદાર ગજેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રામાણીએ ભાજપના ઉમેદવાર તરીકે ત્રણ ફોર્મ ગઈકાલે ઉપાડ્યા હતા. ઉપરાંત ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલે કોંગ્રેસના નામે ચાર ફોર્મ ઉપાડ્યા છે. જ્યારે કોળી સમાજના નેતા શામજીભાઈ ડાંગરે અપક્ષ તરીકે તેમજ રણજીતભાઈ ગોહિલે કોંગ્રેસ પક્ષ તરીકે ફોર્મ ઉપાડ્યા છે. જસદણ બેઠકની ઉમેદવારી કરનારા ઉમેદવાર માટે ચૂંટણી પંચ દ્વારા ૨૦૧૮ ની પેટા ચૂંટણીમાં રૂ.૨૮ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જાે કે આવનારી સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા રૂ.૪૦ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સામાન્ય ચૂંટણી માટે કુલ ૨,૫૬,૨૮૯ મતદારોને મતાધિકાર ભોગવવાની તક મળશે.
Recent Comments