પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળામાં હેતની હવેલી ખાતે પદ્મ પુરસ્કૃતશ્રીઓનો પુનર્મિલન સમારોહ યોજાયો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ કહ્યુ કે, રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી રાષ્ટ્ર અને સમાજ માટેના કાર્યો થઇ શકે તે શ્રેષ્ઠ બાબત છે. સકારાત્મક વિચારો અને તેના અમલીકરણ થકી પરિવર્તન આવી શકે છે તે પ્રત્યક્ષ થયું છે. પર્યાવરણની રક્ષા કરવી અને જળસંકટને નિવારવાના પ્રયાસોમાં નાગરિકોને તેમના ઉત્તમ પ્રયાસો કરવા તેમણે જણાવ્યું હતું.
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ કે, રાષ્ટ્રની પ્રગતિ માટે સામાજિક કર્તવ્યો કરવામાં આવે તે આવનારી પેઢીઓ માટે પ્રેરક છે. સકારાત્મક વિચાર, કર્મયોગનું મહત્વ અને તેને લીધે થતાં કાર્યો થકી સામાજિક ઉન્નતિ થઇ શકે છે. તેમણે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી પર્યાવરણ જાળવણી થઇ શકે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતા શ્રી સવજીભાઇ ધોળકીયાએ જણાવ્યું કે, ગાગડિયો નદી વિસ્તારના આજુબાજુ ૪૫ કિમી વિસ્તારમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીના કાર્યો કરવાનું આયોજન છે. તેમણે સામાજિક પ્રગતિ માટે કર્મયોગનું મહત્વ સમજાવી તેને ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો.
સામાજિક ક્ષેત્રે સેવા આપનાર શ્રી હિરાબેન લોબીને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વૉટર મેન ઓફ ઇન્ડિયા ડૉ. રાજેન્દ્રસિંઘ, પર્યાવરણવિદ્દ શ્રી આનંદ મલ્લી બાબડ, પોન્ડમેન ઓફ ઇન્ડિયા શ્રી રામવીર તંવર સહિતનાઓને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પદ્મ પુરસ્કૃત સર્વશ્રી સુંદરલાલ પાલીવાલ, ડૉ. જગદીશભાઇ ત્રિવેદી, શ્રી દેવીલાલ, શ્રી હિંમત રામ બાંભુ સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમમાં પદ્મ પુરસ્કૃતશ્રીઓ અને આમંત્રિત મહાનુભાવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments