પૂ. જલારામબાપાનાં મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
અમરેલીમાં વસતા સેંકડો રઘુવંશી પરિવારોનું લોહાણ મહાજન વાડી બાદ પૂ.જલારામ મંદિરની સ્થાપનાનું સ્વપ્ન પૂર્ણ થયું હોય સમગ્ર રઘુવંશી સમાજમાં આસ્થાનાં ઘોડાપુર ઉમટયા છે.
અમરેલીનાં વરસડા માર્ગ પર લોહાણા મહાજન વાડીનાં પટાંગણમાં પૂ. જલારામબાપાનાં મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે ઉત્સાહભેર સમાપન કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસે શાસ્ત્રી પાર્થભાઈ ત્રિવેદી ઘ્વારા મહોત્સવ અંતર્ગત દેવોની સ્થાપના, પૂજા, અર્ચના, યજ્ઞ તેમજ મહાપ્રસાદનું પણ આયોજન થયા બાદ રાત્રિનાં રઘુવંશી રાસોત્સવનું સુંદર આયોજન થયા બાદ દ્વિતિય દિને પણ દેવોની પૂજા, મંદિરમાં પ્રાસાદ વાસ્તુ, દસદિક્ષુ હોમ, પ્રધાન હોમ, શાંયન પુજા આરતી અને રાત્રિનાં સમયે ડો. ગુણવંત વ્યાસ ઘ્વારા જલારામ કથાનું આયોજન અને સેવાકાર્યમાં મદદ કરનાર સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્રીજા દિવસે સ્થાપિત દેવતા હોમ, નિજમંદિરમાં પ્રતિષ્ઠા પૂજન, મહા અભિષેક, શિખર ઘ્વજા સ્થાપન પૂજન, અભિષેક, મહારાજભોગ, અન્નકૂટ અને મહાઆરતી બાદ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહૃાા હતા અને અંતિમ દિવસે મંદિરનાં દાતા શરદભાઈ આડતીયા પરિવારનું રઘુવંશી સમાજ ઘ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધાર્મિકોત્સવને સફળ બનાવવામાટે લોહાણા મહાજનનાં પ્રમુખ જીતુભાઈ ગોળવાળાનાં માર્ગદર્શનમાં સમાજનાં આગેવાનો, યુવાનો અને મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
Recent Comments