પોરબંદરના ખાદીગ્રામ ઉદ્યોગ ભવનમાં ચોરી કરનાર શખ્સને સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આરોપીને પકડ્યો

પોરબંદર શહેરના મધ્યમાં રાણીબાગ ખાતે આવેલ ખાદી ગ્રામોદ્યોગમાં તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં રાત્રીના આશરે એકાદ વાગ્યાના અરસામાં ખાદી ગ્રામોદ્યોગના પાછળના દરવાજાને તોડીને કેશ કાઉન્ટરમાં રહેલા ૯૨ હજારની રોકડની અજાણ્યા ઈસમે ચોરી કરી હતી. આ અંગેની ફરિયાદને લઈને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના સહારે તપાસ હાથ ધરતા આરોપીને કીર્તિમંદિર પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીનુ નામ વિરમ ઉર્ફે વિજય લખુ આગઠ છે અને આરોપી પાસેથી આશરે ૮૦ હજારની રકમ રીકવર કરવામાં આવી છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ ત્રણ જેટલા ઘરફોડ ચોરીના તેમજ એક એટ્રોસીટીના મળી કુલ ચાર ગુનાઓ આરોપી વિરુદ્ધ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોરબંદરના ખાદી ગ્રામોદ્યોગમાં બનેલ ચોરીની ઘટનાને પણ થોડા સમયમાં ડિટેક્ટ કરી આરોપીને શોધી શકાયો હોય તો તેનો મોટો શ્રેય સીસીટીવીને જાય છે. ત્યારે આ કેસના ફરિયાદી દ્વારા પણ જે રીતે ખાદી ગ્રામોદ્યોગમાં સીસીટીવી હોવાથી પોલીસે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે, ત્યારે શહેરના સૌ કોઈ વેપારીઓ-દુકાનદારો પણ સીસીટીવી પોતાની દુકાન અને ઓફિસ પર લગાવે તેવી અપીલ કરી હતી. ખાદી ગ્રામોદ્યોગ ભવનમા ચોરીના મામલે પોલીસ દ્વારા હાલ આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપી અન્ય કોઈ ચોરીના બનાવોને અંજામ આપ્યો છે કે કેમ તે સહિતની દિશાઓમાં તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Recent Comments