ગુજરાત

પોરબંદરની છાંયા નગરપાલિકા પાસે પીજીવીસીએલને વિજબીલ ભરવા માટેના પૈસા નથી

સ્ટ્રીટ લાઈટ સહિતના ૧૮૨ જેટલા વિજ કનેક્શનોના ૩ કરોડ ૪૪ લાખ જેવી રકમ ભરપાઇ કરવાની બાકી કરોડો રૂપિયાના વિકાસ કામોની વાતો કરતી પોરબંદર છાંયા નગર પાલિકા ત્રણ કરોડ કરતા વધારેના પીજીવીસીએલમા પોતાના વિવિધ વિજ કનેક્શનોના વિજબિલ ભરવા માટે ફંડ ન હોવાથી રાજ્ય સરકાર પાસેથી વગર વ્યાજની લોન લેવા માટે થઈને દરખાસ્ત કરી છે. રાજ્યની અનેક નગરપાલિકા પાસે વિજબીલ ભરવાના પૈસા ન હોવાના કારણે દેવાળુ ફુંકી રહી છે. ત્યારે પોરબંદર છાંયા નગરપાલિકા પાસે પણ પીજીવીસીએલને વિજબીલ ભરવા માટેના પૈસા નથી. તાજેતરમાં પોરબંદર-છાંયા નગરપાલિકા દ્રારા રાજય સરકારમાં એક દરખાસ્ત કરવામાં આવી છે,

જેમા પાલિકાના સ્ટ્રીટ લાઈટ સહિતના ૧૮૨ જેટલા વિજ કનેક્શનોના ૩ કરોડ ૪૪ લાખ જેવી રકમ પીજીવીસીએલ તંત્રને ભરપાઇ કરવાની બાકી છે. તમના માટે રાજ્ય સરકારને વગર વ્યાજની લોન લેવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. પોરબંદર છાંયા નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતના તિવારી સહિતના ભાજપ-કોંગ્રેસના સુધરાઇ સભ્યો દ્વારા ઠરાવ પસાર કરાયો છે. જેમાં જણાવાયું છે કે, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ૧૧-૮-૨૦૨૩ના પત્રની વિગતે શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓમાં જુદી જુદી યોજનાઓ અન્વયે શહેરને શુધ્ધ પીવાનું પાણી, ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ તથા તેના શુદ્ધિકરણની વ્યવસ્થા,ઘન કચરા વ્યવસ્થાપન, રસ્તા સ્ટ્રીટલાઇટ વગેરે સેવાઓનો લાભ શહેરીજનોને મળી રહે તે હેતુથી તમામ શહેરમાં વિકાસના કામો કરાવવામાં આવ્યા છે.

પરંતુ આ સેવાઓ પુરી પાડવા માટે વોટર વર્કસ, સ્ટ્રીટલાઇટ તેમજ ભુગર્ભ ગટરના વીજબીલની રકમનો નગરપાલિકાઓ ઉપર આર્થિક બોજાે વધવા પામેલ છે. જેથી બાકી વીજબીલની રકમ ભરપાઇ કરવામાં ઘણી મુશ્કેલીઓ નગરપાલિકાને પડે છે અને વીજબીલની રકમ પૂરેપૂરી ભરપાઇ થતી નથી. જેથી સરકાર તરફથી આ બાબતે સહાય કરવા સને ૨૦૨૩-૨૪ વર્ષના અંદાજપત્રમાં વીજબીલ પ્રોત્સાહન યોજના માટે નવી વહિવટી મંજૂરી શહેરી વિકાસ વિભાગના તા.૨૬-૭-૨૦૨૩ના ઠરાવથી આપવામાં આવેલ છે. જે અન્વયે પોરબંદર-છાંયા નગરપાલિકાની ભરપાઇ કરવાની બાકી રહેતી વીજબીલની રકમ રૂપિયા ૩.૪૪ કરોડ પીજીવીસીએલને ભરપાઇ કરવા માટે સરકારની યોજના અન્વયે ૩,૩૫,૩૩,૧૭૪.૪૦ ની વ્યાજ સિવાયની લોન નગરપાલિકા દ્વારા લેવામા આવશે.

પોરબંદર છાંયા નગરપાલિકા તરફથી વિજબીલ ભરવા માટે લોન લેવા અંગે કોંગ્રેસના વિપક્ષી નેતા ફારૂક સૂર્યા દ્વારા જણાવાયુ હતું કે, નગરપાલિકાના તંત્ર દ્વારા પસાર થયેલા ઠરાવને અમે સાથ આપ્યો છે. પરંતુ મહત્વની બાબત એ છે કે નગરપાલિકાના અગાઉના સત્તાધીશોએ પાલિકાના સ્વભંડોળના નાણાંની રકમ આડેધડ વેડફી નાંખી છે. જાે એ રકમનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હોત તો પાલિકાને આજે વિજબીલ ભરવા માટે લોન લેવાની ફરજ પડી ન હોત તેમ જણાવ્યું હતું. પોરબંદર સહિત રાજ્યની અનેક નગરપાલિકાઓ પાસે આજે સ્ટ્રીટ લાઈટ સહિતના વિજ કનેકશનોના બીલ ભરવા માટે રૂપિયા નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજની લોન આપવાની યોજના અમલમાં લાવી છે. પરંતુ પાલિકાઓ આ રકમ ભરવા માટે રૂપિયા ક્યાંથી લાવશે, શું તમના માટે ફરી કોઈ બીજી કોઈ લોન લેવી પડશે કે શું તે પણ એક મોટો સવાલ છે. ત્યારે જરુરી છે કે રાજ્ય સરકાર આ માટે કોઈ અલગથી ગ્રાન્ટની વ્યવસ્થા કરી આપે અથવા તો પાલિકા પોતાના સ્વભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ કરે.

Related Posts