પોરબંદરમાં કુતિયાણાના ખાગેશ્રી ગામની વિડીના જંગલ વિસ્તારમાં વિકરાળ આગ પ્રસરી
પોરબંદરમાં કુતિયાણાના ખાગેશ્રી ગામની વિડીના જંગલ વિસ્તારમાં વધુ એક વખત વિકરાળ આગ પ્રસરી હતી. આગ લગાવી કે લાગી તે અંગે કારણ અકબંધ છે. ફાયર બ્રિગેડની ૮ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. કુતિયાણા પાલિકાનું ફાયર ફાઇટર બે માસથી બંધ હાલતમાં છે. કુતિયાણાના ખાગેશ્રી ગામે આવેલ વિડી જંગલ વિસ્તાર છે અને આ રક્ષિત વિસ્તાર જૂનાગઢ રેન્જમાં આવે છે. ખાગેશ્રી ગામે આવેલ વિડી જંગલ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટના બને છે. ત્યારે રાત્રે આ જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. આ અંગે ફોરેસ્ટ વિભાગ અને પોલીસ દ્વારા પોરબંદરના ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવતા પોરબંદરથી ફાયર બ્રિગેડ ટીમ તાકીદે રવાના થઈ હતી અને ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ વાયુ વેગે પ્રસરી રહી હતી. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી ઉપલેટા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગને બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. રાત્રે લાગેલ આગ સવારે કાબુમાં આવી હતી. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સતત ૮ કલાકની જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છેકે, અહી આગ લાગી હતી કે કોઈ તત્વો દ્વારા લગાવવામાં આવી હતી તેનું કારણ અકબંધ રહ્યું છે. મહત્વની વાત એછેકે, કુતિયાણા પાલિકા ખાતે ૧ ફાયર ફાઇટર છે અને તે ૨ માસથી બંધ છે. કોઈ રીપેરીંગ કામ ના વાંકે ફાયર વાહન બંધ હોવાનું જાણવા મળે છે. જાે આ ફાયર ફાઈટર ચાલુ હોત તો, આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા અટકી શકી હોત. ખાગેશ્રીના વિડી જંગલ વિસ્તાર ખૂબ મોટો છે.
અહી અનેક વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે. અંદાજે ૨૦૦૦ કાળિયાર, ૩૦ દિપડા અન્ય જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે ત્યારે આગ પ્રસરી જતા આ વન્ય પ્રાણીઓમાં નાસભાગ મચી હતી. ખાગેશ્રીના વિડી જંગલ વિસ્તારમાં આગ લાગતાં આગ વાયુ વેગે પ્રસરતા જંગલના ૫૦૦ વિઘા થી વધુ વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. ખાગેશ્રી જંગલ વિસ્તારમાં આગ લાગતાં પોરબંદર ફાયર બ્રિગેડના ૬ કર્મી, ઉપલેટા ફાયર બ્રિગેડના ૪ કર્મી અને કુતિયાણાના ૨ કર્મી હાજર રહી અંદાજે ૪૦ હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી. ખાગેશ્રી જંગલ વિસ્તારમાં આગ લાગતાં આગ ૫૦૦ વિધા થી વધુ વિસ્તારમાં ફેલાતા ઝાડી, ઝાંખરા, વૃક્ષો, પક્ષીના માળા, પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ સહિત પર્યાવરણને ભારે નુક્સાન થયું છે.
Recent Comments